નેશનલ

75th Republic Day Security: સંસદની ઘટના બાદ 26 જાન્યુઆરીએ શૂઝની પણ તપાસ કરવામાં આવશે

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે કર્તવ્ય માર્ગ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના બાદ દિલ્હી પોલીસ આ વખતે કર્તવ્ય પથ પર પરેડ જોવા આવેલા લોકોના શૂઝ પણ ચેક કરશે. આ વખતે દિલ્હી પોલીસ 6 લેયર સિક્યોરિટી સાથે લોકોના શૂઝનું ખાસ ચેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવશે.


આ અંગે માહિતી આપતા નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમાર મેહલાએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરીના દિવસે કડક પોલીસ સુરક્ષા રાખવામાં આવશે. તેમજ આ વખતે સુરક્ષાના 6 લેયર રાખવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ લેયર ફિઝિકલ છે. બાકીના ત્રણ લેયરોમાં સુરક્ષા કર્મીઓ સઘન તપાસ કરશે આ તમામ સુરક્ષા કર્મીઓ પાસે અદ્યતન ટેક્નોલોજી હશે જેના વડે તે તમામ લોકોની તપીસ કરશે. આ ઉપરાંત સીસીટીવી પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારી દરેક ટીમે ઘણી વખત રિહલસર્સ પણ કર્યું છે.


અમારા તમામ સ્ટાફને આ નવી સુરક્ષા વ્યવસ્થાઓ વિશે માહિતી પણ આપવામાં આવી છે. અને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. 26 જાન્યુઆરીએ દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યાંથી સીસીટીવી મોનિટરિંગ માટે સ્ટાફ પણ તહેનાત કરવામાં આવ્યો છે. અમારી પાસે કોમ્યુનિકેશન ચેનલો પણ છે. જો એક ચેનલ નિષ્ફળ જશે, તો અમે બીજી ચેનલનો ઉપયોગ કરીશું. અમારો સમગ્ર સ્ટાફ તમામ બાબતો પર ચાંપતી નજર રાખી રહ્યો છે. ક્યાંક કંઈ પણ અજુગતું દેખાશે કે તરત જ તેની પર કાર્યવાહી કરવામાં આવશે.


આ ઉપરાંત તેમણે ખાસ એમ પણ જણાવ્યું હતું કે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે તેઓ દેશભક્તિની ભાવના સાથે આવે અને 26 જાન્યુઆરીની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે. તેમજ જ્યારે પણ તમે આવો ત્યારે તમારી સાથે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી વસ્તુઓ રાખો જેથી તમારી ઓળખ કરવામાં અમને સરળતા રહેશે અને આમ જનતાને પણ ઘણી ઓછી તકલીફ પડશે. તેમજ જ્યારે પણ કાર્યક્રમમાં આવો ત્યારે પાણીની બોટલ કે બીજી કોઈપણ વસ્તુ સાથે ના રાખો એવી તમામ જનતાને અમારી ખાસ અપીલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button