રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેનાર 90 વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા દંડ ફટકારતા જોરદાર હોબાળો….
દીસપુર: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના પાઓંટા સાહિબમાં આવેલું હિમાચલ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂશનમાં મોટો હોબાળો થયો હતો. સ્થાનિક સ્તરે યોજાયેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેનાર ફાર્મસી કોલેજના 90 વિદ્યાર્થીઓને કોલેજ મેનેજમેન્ટે સજા આપી અને દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ કોલેજમાં હોબાળો મચી ગયો હતો.
22 જાન્યુઆરીએ મેનેજમેન્ટે જાહેર રજા હોવા છતાં લગભગ 90 બાળકો પર જાણ કર્યા વગર ગેરહાજર રહેવા બદલ 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો અને જો દંડ ન ભરે તો સંસ્થામાંથી કાઢી મુકવાની ધમકી પણ આપી હતી.
સંસ્થાની આ કાર્યવાહીથી સ્થાનિક હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા. વિવિધ હિન્દુ સંગઠનોના લોકોએ કોલેજના ગેટ પર પ્રદર્શન કર્યું હતું અને કોલેજ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે સંસ્થાએ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાળકોને આ રીતે હેરાન કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હિન્દુ સંગઠનોના લોકો સંસ્થાના એચઓડીને બરતરફ કરવા અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા હતા.
જો કે મામલો વણસતો જોઈને સ્થાનિક વહીવટીતંત્રે દરમિયાનગીરી કરી અને ડીએસપી પાઓંટા અને તહસીલદાર પાઓંટા સાહેબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે ગુસ્સે ભરાયેલા લોકો તેમજ સંસ્થા પ્રશાસન સાથે વાત કરી હતી. જો કે હાલ વહીવટીતંત્રએ હોબાળો શાંત પાડ્યો છે. તેમજ હાલમાં એચઓડીને 5 ફેબ્રુઆરી સુધી રજા પર મોકલીને મામલાની તપાસ કરવા સહમતી દર્શાવી છે. હાલમાં આ મામલો શાંત થઈ ગયો છે પરંતુ સંસ્થાએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને ત્યારબાદ આ ઘટના મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે.