નેશનલસ્પોર્ટસ

Mary Kom કર્યું નિવૃત્તિના સમાચારોનું ખંડન…

ભારતની મહાન બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બુધવારે પોતે નિવૃત્તિ લે છે. એવી વાત કરીને હોબાળો મચાવી દીધો હતો. પરંતુ હવે મેરી કોમે વધુ એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી કે તેના નિવૃત્તિના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ નિવૃત્તિ લીધી નથી.

એવી માહિતી મળી હતી કે તેણે આ નિર્ણય તેની ઉંમરને ધ્યાનમાં રાખીને લીધો છે. પરંતુ ભારતની સ્ટાર મહિલા બોક્સરે આ સમાચારને નકારી કાઢ્યા છે. જો કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોઈપણ બોક્સર પછી તે પુરુષ હોય કે સ્ત્રી માત્ર 40 વર્ષની ઉંમર સુધી કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. અને મેરી કોમ હાલમાં 41 વર્ષની છે. મેરી કોમ વિશ્વની એકમાત્ર બોક્સર છે જે 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે.


એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બોક્સર છે. તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 48 કિગ્રા વર્ગમાં લડનારી મેરી કોમ 2002, 2005, 2006, 2008 અને 2010માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે 2018માં છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પોતાના નામે કર્યો હતો.

મેરીકોમે દિબ્રગુઢમાં એક શાળાની મુલાકાત કરી ત્યારે જણાવ્યું હતું કે મારી ઉંમરની મર્યાદાના કારણે હવે હું વર્લ્ડ ચેમ્પિયનશીપ રમી શકતી નથી પરંતુ તેનો મતલબ એ નથી કે હું રમત રમી શકતી નથી. બોક્સિંગ એ મારું જીવન છે. અને હું તે રમતી જ રહીશ તેમજ નિવૃત્તિની બાબતોનું ખંડન કરતા કહ્યું હતું કે હાલમાં નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નછી પરંતુ જ્યારે નિવૃત્તિ લેવાની હશે ત્યારે હું સામેથી આવીને બધાને જણાવીશ.


નોંધનીય છે કે મેરી કોમના નામે અનેક સન્માન છે જેમાં 2018માં મણિપુર સરકારે મેરી કોમને તેના શાનદાર પ્રદર્શન માટે ‘મીથોઈ લિમા’ ના બિરુદથી સન્માનિત કરી હતી. આ ઉપરાંત તેને પદ્મ ભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને અન્ય ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે. તેના જીવન પર આધારિત હિન્દી બાયોપિક ફિલ્મ ‘મેરી કોમ’ 2014 માં રિલીઝ થઈ હતી, જેમાં પ્રિયંકા ચોપરાએ મેરી કોમનું પાત્ર ભજવ્યું હતું, જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.


2012 ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ મેરી કોમે તેના ત્રીજા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેણે લાંબો બ્રેક લીધો હતો. અને દિલ્હીમાં આયોજિત 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યુક્રેનની હેના ઓખોટા સામે 5-0થી જીત નોંધાવી ફરી રમતના મેદાનમાં આવી હતી. તેમજ એક વર્ષ બાદ 8મો વિશ્વ ચંદ્રક પણ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button