હૈદરાબાદ: એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA) ના સચિવ અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA) ના ભૂતપૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણ દ્વારા કથિત રીતે એકઠી કરવામાં આવેલી રૂ. 100 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. ACBના પ્રાથમિક તારણોમાં ખુલાસો થયો છે કે બાલકૃષ્ણએ અનેક રિયલ એસ્ટેટ કંપનીઓને કથિત રીતે પરમિટ આપીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી.
તેમની આવકના સ્ત્રોતો કરતાં ઘણી વધુ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાના આરોપોસર બાલકૃષ્ણ અને તેમના સંબંધીઓના ઘરો અને ઓફિસો સહિત તેલંગાણામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે સવારે 5 વાગ્યે સર્ચ શરૂ કર્યું હતું. 20 જગ્યાઓ એક સાથે તપાસ કરવામાં આવી હતી, આ તપાસ આજે ગુરુવારે પણ ચાલુ રહે શક્યતા છે. ACBની ટીમોએ HMDA અને RERAની ઓફિસમાં પણસર્ચ કર્યું હતું. બાલકૃષ્ણના ઘર અને તપાસ સાથે સંબંધિત અન્ય મહત્વના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેણે મોટા પાયે સંપત્તિ એકઠી કરવા માટે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો છે.
સર્ચ દરમિયાન સોનું, ફ્લેટ, બેંક ડિપોઝીટ અને બેનામી હોલ્ડિંગ્સ સહિત રૂ. 100 કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે. જપ્ત કરાયેલી વસ્તુઓની યાદીમાં 40 લાખ રૂપિયા રોકડા, બે કિલોગ્રામ સોનાના દાગીના, 60 મોંઘી ઘડિયાળો, સંપત્તિના દસ્તાવેજો અને બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ સિવાય 14 ફોન, 10 લેપટોપ અને ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. એસીબી હવે બાલકૃષ્ણના બેંક લોકર્સ અને અન્ય અઘોષિત સંપત્તિની તપાસ કરી રહી છે.