પુરુષ

નસીબ હોય તો રજત પાટીદાર જેવું!

કોહલીના આ શિષ્યને તેના જ સ્થાને ૩૦ વર્ષની મોટી ઉંમરે ટેસ્ટમાં ડેબ્યૂ કરવા માટે આમંત્રણ મળ્યું

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

નસીબની બલિહારી તો જુઓ! ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીના સ્થાને તેના જ શિષ્ય રજત પાટીદારનો નંબર લાગી ગયો!

કિંગ કોહલીએ અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટ મૅચમાં ન રમવાનું નક્કી કર્યું એટલે સિલેક્ટરોએ અને ટીમ મૅનેજમેન્ટે કોહલીનો વિકલ્પ શોધવાનું તરત શરૂ કરી દીધું અને ગણતરીના કલાકોમાં તેમણે પાટીદાર પર કળશ ઢોળી દીધો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને ફૉલો કરતી એકેએક વ્યક્તિ ધમાકેદાર હિટિંગ માટે જાણીતા પાટીદારથી પરિચિત હશે જ. રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના શહેનશાહ કોહલીને પાટીદાર ખૂબ પ્રિય છે. ફક્ત ૧૧ ઇનિંગ્સમાં તેણે ૪૦૪ રન બનાવ્યા છે એટલે નહીં, પણ તે ખરા અર્થમાં મૅચ-વિનર છે. તેનો સ્ટ્રાઇક-રેટ (દર ૧૦૦ બૉલ દીઠ બનાવેલા રન) ૧૪૪.૨૮ છે જે ખુદ કોહલી (૧૩૦.૦૨) કરતાં પણ ચડિયાતો છે.

ગઈ આઇપીએલ દરમ્યાન કોહલીએ પાટીદાર સાથે લીધેલો સેલ્ફી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. પાટીદારને કોહલી પાસેથી આરસીબી વતી રમતી વખતે જે કંઈ બૅટિંગ-ટિપ્સ મળી એનો ઉપયોગ હવે તે તેના જ વિકલ્પ તરીકે રમવા મળનારી ટેસ્ટમાં જરૂર કશે.

ગયા ડિસેમ્બરમાં પણ પાટીદારનું નસીબ જોર કરતું હતું. ત્યારે ઋતુરાજ ગાયકવાડને આંગળીમાં ઈજા થઈ એટલે તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝની ત્રીજી વન-ડેમાં રમી શકે એમ નહોતો. સિલેક્ટરો પાસે ત્યારે પણ કેટલાક વિકલ્પો હતા, પણ પાટીદાર તેમને સૌથી શ્રેષ્ઠ લાગ્યો અને તેને ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરવાની તક મળી હતી જે તેણે ઝડપી લીધી અને ઓપનિંગમાં બાવીસ રનનું ભલે નજીવું, પણ મહત્ત્વનું યોગદાન આપીને ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે સિરીઝ જિતાડવામાં મદદ કરી હતી. પાટીદારે એ તકનો બરાબર ફાયદો ઉઠાવ્યો અને પછી ડોમેસ્ટિક મૅચોમાં બૅટથી એવી કમાલ દેખાડી કે સિલેક્ટરોએ તેને ટેસ્ટમાં પણ ડેબ્યૂ અપાવવા પસંદ કરી લીધો.

ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સિરીઝ શરૂ થાય એ પહેલાં તેણે ઇંગ્લૅન્ડ લાયન્સ નામની બ્રિટિશ ટીમ સામે અમદાવાદમાં બૅટથી પરચો બતાવી દીધો. બે મૅચમાં બે ધમાકેદાર સેન્ચુરી ફટકારી દીધી એટલે ૧૩મી જાન્યુઆરીએ એક સિક્સર અને અઢાર ફોરની મદદથી ૧૪૧ બૉલમાં ૧૧૧ રન બનાવ્યા અને પછી ૧૮મી જાન્યુઆરીએ પાંચ સિક્સર તથા ઓગણીસ ફોર સાથે માત્ર ૧૫૮ બૉલમાં ૧૫૧ રન ખડકી દીધા. આ બે ઝમકદાર પર્ફોર્મન્સથી ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેના બીજા સિલેક્ટરો એટલા બધા પ્રભાવિત થયા કે ચેતેશ્ર્વર પુજારા જેવા પીઢ ટેસ્ટ ખેલાડીને બાજુ પર રાખીને પાટીદારને કોહલીનો વિકલ્પ બનાવી દીધો.

ડોમેસ્ટિક ક્રિકેટના આંકડા પણ મધ્ય પ્રદેશના પાટીદારની ફેવરમાં છે. ૯૩ ઇનિંગ્સમાં ૪૫.૯૭ની સરેરાશે બાર સેન્ચુરી અને બાવીસ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૪૦૦૦-પ્લસ રન બનાવવા એ મોટી ઉપલબ્ધિ કહેવાય અને એના થકી જ પાટીદારને ટેસ્ટ ટીમમાં ત્રીજા કે ચોથા ક્રમના બૅટર તરીકે (કોહલી જેવા મોટા ગજાના ખેલાડીના સ્થાને) આવવા મળ્યું છે.

પાટીદારનું ભાગ્ય કેવું જોર કરે છે એ તો જુઓ. ક્રિકેટમાં સામાન્ય રીતે કોઈ પ્લેયર ૩૦ વર્ષનો થઈ જાય તો તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થવાની સંભાવના નહીંવત હોય છે, પણ પાટીદાર માટે મોટી ઉંમર કોઈ રીતે અવરોધરૂપ નથી. જૂનમાં તે ૩૧ વર્ષનો થશે. અત્યાર સુધીમાં ફક્ત છ ભારતીય પ્લેયર ૩૦ વર્ષની ઉંમર પાર કર્યા પછી ટેસ્ટમાં કરીઅર શરૂ કરી છે. એમાં પણ સ્પેશિયલ બૅટર કહીએ એમાં સૂર્યકુમાર યાદવ પછી પાટીદાર બીજો જ ખેલાડી છે. સબા કરીમ, સમીર દીઘે અને નમન ઓઝા આફ્ટર-થર્ટી ટેસ્ટની કારકિર્દી શરૂ કરનારા ત્રણ ભારતીય વિકેટકીપર-બૅટર છે જ્યારે સ્ટુઅર્ટ બિન્ની એકમાત્ર પેસ બોલર અને શાહબાઝ નદીમ એકમાત્ર સ્પિનર છે. એશિયા કપ વન-ડે સ્પર્ધામાં વિકેટકીપિંગ દરમ્યાન અનિલ કુંબલેના બૉલમાં આંખ પર થયેલી ઈજાને કારણે સબા કરીમની કરીઅર અકાળે (એક જ ટેસ્ટને અંતે) પૂરી થઈ ગઈ હતી, જ્યારે આફ્ટર-૩૦વાળા બીજા ખેલાડીઓમાં દીઘે, ઓઝા, સ્ટુઅર્ટ અને નદીમની ટેસ્ટ કારકિર્દી પર પણ એક જ મૅચ બાદ પડદો પડી ગયો હતો. એ તો ઠીક, પણ ટી-૨૦ ક્રિકેટના કિંગ સૂર્યકુમાર યાદવ પણ હજી સુધી એક જ ટેસ્ટ રમી શક્યો છે. આશા રાખીએ પાટીદારને વધુને વધુ ટેસ્ટ રમવા મળે અને ટીમ ઇન્ડિયાને જીત પર જીત અપાવતો રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button