દસ -અગિયાર મહિનાનું બાળક જો માનું ધાવણ છોડી શકે તો….
મેલ મેટર્સ-અંકિત દેસાઈ
વર્ષના આ પહેલાં મહિને તમાકુ સેવન વિશે થોડું મનન- ચિંતન
આપણે ત્યાં કોઈ દિવસ ‘વિશેષ’ને ધ્યાનમાં રાખીને અનેક વાતો થતી હોય છે. આપણે પણ આવા કેલેન્ડર્સ ‘ઈવેન્ટ’ના ઉલ્લેખ સાથે આ કોલમમાં એવું અનેકવાર કરી ગયા છીએ, પરંતુ આજે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નથી, છતાં આપણે તમાકુની વાત કરવી છે.
પુરુષોને તમાકુની લત સહજ હોય છે. ક્યાં તો માવામાં, ક્યાં તો ગુટકામાં અથવા તો છેલ્લે સિગારેટ-બીડીમાં પુરુષ તમાકુ લેતા હોય છે. અલબત્ત, બધા પુરુષ કંઈ એવું નથી કરતા, પરંતુ પુરુષોનો એક મોટો વર્ગ એવો ખરો, જે તમાકુના બંધાણી છે.
જો કે આપણે તમાકુની વાત એટલે છેડી કે ગયા સપ્તાહે ‘ડબલ્યુએચઓ’ (ઠઇંઘ-
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા) એ એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહ્યું કે ગયા દાયકાની સરખામણીએ વિશ્ર્વમાં તમાકુની લત ઘટી
છે! લગભગ ૧૫૦ જેટલા દેશોએ
કાયદાકીય રીતે અથવા જાગૃતિના માધ્યમથી તમાકુના વપરાશમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે… હેજી રે એમ ડ‘બલ્યુએચઓ’ કહે છે જી!
અલબત્ત, આપણી તબિયતના ખબર-અંતર રાખતી એ સંસ્થા એમ પણ કહે છે કે જેટલા લોકો તમાકુના બંધાણી છે અથવા સીધી કે આડકતરી રીતે તમાકુ લઈ રહ્યા છે એની સરખામણીએ તમાકુ છોડનારાઓનો આંકડો નજીવો છે. એનો અર્થ એ થયો કે ‘હરખ હવે તું હિન્દુસ્તાન..’ એવું ગાવની પણ જરૂર નથી, કારણ કે હાલના આંકડા મુજબ દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી વધુ તમાકુનું સેવન થાય છે. આંકડા કહે છે કે એશિયામાં આપણી તરફ ૨૭ ટકા જેટલા લોકો તમાકુનું સેવન કરે છે. બીજા ક્રમે યુરોપ આવે છે, જ્યાં યુરોપના ૨૬ ટકા જેટલા ભાઈઓ-બહેનો તમાકુનું સેવન કરે છે. એમાં ય પાછું ત્યાં અવળું છે. ત્યાં ભાઈ કરતાં બહેનો વધુ તમાકુનું સેવન કરે છે ! પાર્ટીકલ્ચર અથવા એકાકી જીવનને કારણે એવું હશે કદાચ. જો કે એ પાછો જુદી ચર્ચાનો વિષય છે.
ખેર, આપણે અહીં કંઈ આંકડાપુરાણ નથી માંડવું. આ છેલ્લો આંકડો આપીને આપણે બીજી વાતો કરીશું અને એ છેલ્લો આંકડો એ છે કે હજુ આજેય વિશ્ર્વમાં દર વર્ષે આઠ મિલિયન લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે, જેમાં ૧.૩ મિલિયન લોકો નોનસ્મોકર્સ છે! એટલે કે એ બધા પેસિવ સ્મોકિંગ -સ્મોકિંગની આડકતરી અસરથી- કોઈના પાપે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એનો અર્થ એ થયો કે તમે તમાકુનું સેવન કરો છો કે નહીં એ પણ બીજી ચર્ચાનો વિષય છે. મૂળ વિષય એ છે કે તમે તમાકુનું સેવન નથી કરતા અને માત્ર સ્મોકર્સની આજુબાજુ રહેશો તો પણ ઝપટે ચઢી જવાના છો એટલે આપણે સ્મોક નથી કરતા કે પછી તમાકુનું સેવન નથી કરતા એ વાતે પણ બહુ હરખાવા જેવું નથી.
-તો પછી તમાકુને લઈને માત્ર ૩૧મી મેના રોજ જ ચર્ચા કરવાની? મૃત્યુનો આ આંકડો તો કોરોના મહામારીને પણ ટપી જાય એવો છે તો પછી કરવું શું? તમારા ઘર નીચે રાત્રે બેસતી વખતે સોસાયટીવાળો તમાકુનું સેવન કરે કે દોસ્તો સિગારેટ પીતા હોય તો આપણે હોમાઈ જવાનું? અને જો આપણે પીતા જ હોઈએ તો? તો… તો આપણે માથે જોખમ અત્યંત વધી જાય છે. અને જો આપણે ખુદ તમાકુનું સેવન કરીએ તો આપણા માટે રિસ્ક કેટલા બધા છે… જડબા- ફેફસાં કે આંતરડા પર તો વધુ જોખમ તોળાયેલું રહે જ છે. એ ઉપરાંત ‘ઈરેક્ટાઈલ ડિસફંક્શન’ (નપુંસકતા) પણ તમાકુનું જ પરિણામ છે.
-તો પછી કરવું શું?
આપણે તો સ્વાભાવિક રીતે જ તમાકુથી દૂર રહેવાના છે. પરંતુ જેમને કહી શકાય, કે જેમના પર આપણો અધિકાર છે એમને પણ આપણે તમાકુથી દૂર રહેવા માટે દબાણ કરવું પડશે. આને લઈને એક ફેમસ વોટ્સેપ ફોરવર્ડ યાદ રાખવાનું છે કે ‘દસ -અગિયાર મહિનાનું બાળક જો માનું ધાવણ-દૂધ છોડી શકે તો શું ઢાંઢા તમાકુ નહીં છોડી શકે?’
અહીં આપણે સંસદમાં કાશ્મીર મુદ્દે આક્રમક થતા અમિત શાહનું પેલું ફેમસ મીમ પણ યાદ રાખવાનું છે કે (હેલ્થ માટે) ‘ક્યા બાત કર રહે હો આપ જાન દે દેગે હમ! ’ જો કે આપણે તો જીવવું છે, અત્યંત સ્વસ્થ રીતે જીવવું છે. એટલે જાન આપી દેવાની વાત ન કરવી! બસ, આ તમાકુ-ફમાકુ છોડીને જલસાથી જીવવું. શરીરમાં રોગ હોય એ સારું થોડું કહેવાય?
યાર, બી હેલ્ધી- બી હેપી!