આજે પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટય દિવસ અંબાજીમાં જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની સરહદે અરવલ્લીની ગીરીમાળામાં બીરાજમાન મા અંબાનું ધામ એટલે કે અંબાજી શક્તિપીઠ વિશ્ર્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષસુદ પૂનમ એટલે આદ્યશક્તિ મા જગદંબાનો પ્રાગટ્ય દિન. માતાજીનાં પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુરુવારે પોષી પૂનમ છે. અંબાજી ખાતે મહાશક્તિ યજ્ઞ, જ્યોતયાત્રા, અન્નકૂટ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આદ્યશક્તિના અવતરણની આસ્થાભેર ઉજવણી કરશે. શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઊમટશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા ૨૫ જાન્યુઆરીને ગુરુવારના રોજ પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે, જેમાં ૫૧થી વધારે યજમાનોની નોંધણી થઇ છે. આ પ્રસંગે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા જ્યોત યાત્રા યોજી ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે, જે અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦.૩૦ વાગ્યાથી શક્તિ દ્વારથી હાથી ઉપર મા અંબાની શોભાયાત્રા સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરશે. જેમાં ૩૦ કરતાં વધુ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રા નગર યાત્રા કરશે, આ શોભાયાત્રામાં ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું વિતરણ અને ચાચર ચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ તેમ જ શાકોત્સવ – શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવશે. તેમ જ રાત્રિના ૮ કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.