જોશીમઠમાં ૧૪ હાઈ રિસ્ક ઝોન શોેધી કઢાયા
દેહરાદૂન : સેન્ટ્રલ બિલ્ડિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)એ જમીન ધસી પડવાથી ગ્રસ્ત જોશી મઠમાં અતિશય ભયવાળા ૧૪ ઝોન શોધી કાઢ્યા છે. ઈન્સ્ટિટ્યુટે ભલામણ કરી હતી કે વહીવટીતંત્રે આ નગરના જોખમી વિસ્તારના લોકોને કાં તો વળતર લેવાનું અથવા બીજે વસવાટ કરવાનું જણાવવું જોઈએ. સીબીઆરઆઈના વિજ્ઞાની અજય ચોરસિયાએ કહ્યું હતું કે વિગતવાર સર્વેક્ષણ કર્યા બાદ અમે જોશીમઠમાં ૧૪ અતિ જોખમી વિસ્તારો શોધી કાઢ્યા છે. મારવાડી, સુનિલ, અપર બજાર, લોવર બજાર, સિંધઘર અને મનોહર બાગ વિસ્તાર આ ઝોનમાં આવે છે. આ વિસ્તારમાં રહેનારા આતંકમાં જીવે છે. ગયા વર્ષે જોશી મઠમાં જમીન ધસી પડી હતી. નગરના ખતરનાક ઝોનમાં ૧,૦૦૦ રહેણાંક અને વાણિજય સ્ટ્રકચર છે. ચોરસિયાએ કહ્યું હતું કે સર્વે દરમિયાન માલૂમ પડ્યું હતું કે જોશીમઠમાં ગયા વર્ષે જમીન ધસી ગઈ ત્યાર બાદ છેલ્લા છ મહિનામાં તીરાડ ઊંડી કે પહોળી નથી થઈ. અતિ જોખમવાળા વિસ્તારના રહેવાસીઓને વળતર કે પુર્નવસવાટના વિકલ્પો આપવા જોઈએ. નવા સલામત સ્થળમાં રહેવાસીઓને સ્માર્ટવિલેજની બધી સુવિધાઓ અપાશે.
સીબીઆરઆઈ સરકારને નવા સ્થળને મોડેલ વિલેજ તરીકે વિકસાવવામાં મદદ કરશે.
જોકે અસરગ્રસ્ત કુુટુંબોએ બીજે વસવાટ કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે અમારું જીવન ગુજરાન જોશીમઠમાં હોવાથી અમે નગરમાં ઉપલબ્ધ વધારાની ભૂમિમાં રહેવાનું પસંદ કરીશું. (એજન્સી)