આમચી મુંબઈ

ઉશ્કેરણીજનક મેસેજ-વીડિયો વાયરલ કરનારા સામે કડક પગલાંની ચેતવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા રોડના નયા નગર પરિસરમાં શોભાયાત્રા પર તોફાની તત્ત્વોએ કરેલા હુમલા પછી સોશિયલ મીડિયા પર અનેક ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો વાયરલ થઈ રહ્યા હોવાથી પોલીસે લાલ આંખ કરી છે. ખાતરી કર્યા વિના આડેધડ આવા મેસેજ-વીડિયો ફોરવર્ડ કરનારાઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી પોલીસે ઉચ્ચારી છે.

પોલીસના જણાવ્યા મુજબ બુધવાર સવારથી વ્હૉટ્સઍપ ગ્રૂપમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. મીરા રોડ રેલવે સ્ટેશન ખાતે તોફાની તત્ત્વો દ્વારા આગ લગાવી પાટા પર કપડાં સહિતની વસ્તુઓ ફેંકવામાં આવતી હોવાનું વીડિયોમાં નજરે પડે છે. નાગરિકોને ઉશ્કેરનારા આવા વીડિયો અને મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અટકાવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે.
પોલીસે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મીરા રોડ સ્ટેશનનો વીડિયો ફૅક હોવાનું જણાયું હતું. કોઈએ ઇરાદાપૂર્વક એડિટ કરીને વીડિયો તૈયાર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ વીડિયો પર વિશ્ર્વાસ રાખવો નહીં. આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાથી લૉ ઍન્ડ ઑર્ડરની સમસ્યા ઊભી થઈ શકે છે, જેને કારણે સામાજિક શાંતિ ડહોળાઈ શકે છે.

પોલીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર આવા પ્રકારના વીડિયો પોસ્ટ કરનારી વ્યક્તિ અને જે ગ્રૂપમાં વીડિયો પોસ્ટ થયો હશે તેના એડમિન સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવા મેસેજ વાયરલ થવા માટે ગ્રૂપના એડમિનને પણ જવાબદાર ગણવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button