પાયધુનીમાં મિલકત વિવાદને લઇ ૮૦ વર્ષના વૃદ્ધે તેના નાના ભાઇ પર કર્યો છરીથી હુમલો
મુંબઈ: દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં મિલકત વિવાદને લઇ પોતાના નાના ભાઇ પર છરીથી હુમલો કરવા બદલ ૮૦ વર્ષના વૃદ્ધની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરેલા વૃદ્ધની ઓળખ જમનાદાસ મગનલાલ મહેતા તરીકે થઇ હોઇ તે નાના ભાઇ અરવિંદ મહેતા (૭૨) અને તેના પરિવાર સાથે પાયધુનીના સેમ્યુઅલ સ્ટ્રીટ વિસ્તારમાં રહે છે. જમનાદાસ અપરિણીત છે અને તેઓ જ્યાં રહે છે એ ઘર તેઓ વેચવા માગતા હતા, પણ અરવિંદનો એની સામે વિરોધ હતો. આ બાબતને લઇ બંને ભાઇ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે મોડી રાતે જમનાદાસે ઘર વેચવા અંગે વાતચીત શરૂ કરી હતી, જેને કારણે બંને ભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી જમનાદાસ ઉશ્કેરાયા હતા અને તેમણે રસોડામાંથી છરી લાવીને અરવિંદ પર હુમલો કર્યો હતો, જેમાં અરવિંદના ગળામાં ઇજા થઇ હતી. ઘટના સમયે અરવિંદની પત્ની ઘરમાં હાજર હતી.
દરમિયાન હુમલામાં ઘવાયેલા અરવિંદને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસે કલ્પનાનું નિવેદન નોંધ્યું હતું. તેની ફરિયાદને આધારે જમનાદાસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમને બાદમાં ઘટનાસ્થળે જઇને જમનાદાસની ધરપકડ કરી હતી.