બજેટનું આઠ ટકા ભંડોળ આરોગ્ય વિભાગને ફાળવવાની માગણી
મુંબઈ: કોવિડ – ૧૯ની મહામારી પછી આરોગ્ય વિભાગની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંદાજપત્રમાં (બજેટમાં) મોટા પાયે જોગવાઈ કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં રજૂઆત કરી હતી. આ પાર્શ્ર્વભૂમિ પર આરોગ્ય વિભાગ દ્વારા આગામી બજેટમાં ૧૬,૧૩૩ કરોડ રૂપિયા આરોગ્ય વિભાગને ફાળવવામાં આવે એવી માગણી નાણા પ્રધાન શ્રી અજિત પવાર સમક્ષ કરવામાં આવી છે. રાજ્યનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ થવાનું છે ત્યારે પ્રત્યેક વિભાગ દ્વારા પોતાને કેટલું ભંડોળ મળે એની માગણી નાણા પ્રધાન સમક્ષ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગે તૈયાર કરેલી અંદાજપત્રની માગણીમાં વિવિધ યોજનાઓ માટે ૨૦૨૪ – ૨૫ માટે ૧૬,૧૩૩ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે. ગયા વર્ષે આરોગ્ય વિભાગે ૬,૦૨૩ કરોડ રૂપિયાની માગણી કરી હતી. જોકે, તત્કાલીન નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બજેટમાં આરોગ્ય વિભાગ માટે ૩,૫૦૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. છેલ્લા અનેક વર્ષોથી આરોગ્ય વિભાગ દ્વારા જે ભંડોળની માગણી કરવામાં આવે છે એના ૭૦ ટકા રકમ જ ફાળવવામાં આવતી હોવાથી આરોગ્ય વિભાગની અનેક યોજના કાં તો રખડી પડે છે અથવા એને અમલમાં નથી મૂકી શકાતી એવું આરોગ્ય વિભાગના ડૉક્ટરોનું કહેવું છે. ૨૦૨૩-૨૪ના બજેટમાં આરોગ્ય વિભાગ દ્વારા ૬,૦૨૩ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને નાણા વિભાગે ૩,૫૦૧ કરોડ મંજૂર કરી આપ્યા માત્ર ૨,૮૦૧ કરોડ રૂપિયા. આનો અર્થ એ થયો કે આરોગ્ય વિભાગની માગણીનું ૫૦.૯૯ ટકા ભંડોળ જ ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યું હતું. એનું નુકસાન આરોગ્ય વિભાગને તો થયું જ, અન્ય દૈનિક સમસ્યા પણ નડી.