12 વર્ષ પછી આ દિગ્ગજ ખેલાડીઓ વિના ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમશે
હૈદરાબાદ: ભારતની ટેસ્ટ મૅચ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં વિરાટ કોહલી કે ચેતેશ્ર્વર પુજારા કે અજિંક્ય રહાણે ન હોય એવી પહેલી ટેસ્ટ 2011ની સાલ પછી રમાશે. આવું ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બનશે.
છેલ્લા 12 વર્ષમાં ભારતની એવી એક પણ ટેસ્ટ નહોતી કે જેમાં કોહલી કે પુજારા કે રહાણેના સમાવેશ ન હોય. આ ત્રણમાંથી એક પણ પ્લેયર ન હોય એવી ટેસ્ટ અગાઉ નવેમ્બર 2011માં રમાઈ હતી. ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની એ ટેસ્ટ ભારતે એક દાવ અને 15 રનથી જીતી હતી. એ ટેસ્ટમાંના ભારતીય પ્લેયરોમાં સેહવાગ, ગંભીર, દ્રવિડ, સચિન, લક્ષ્મણ, ઇશાંત, યુવરાજ, કૅપ્ટન ધોની, અને અશ્ર્વિન, પ્રજ્ઞાન ઓઝા તથા ઉમેશ યાદવનો સમાવેશ હતો.
ડૅરેન સૅમી ત્યારે કૅરિબિયન ટીમનો સુકાની હતો અને તેની ટીમમાં ડૅરેન બ્રાવો, ચંદરપૉલ, બ્રેથવેઇટ, કીમાર રૉચ, સૅમ્યુલ્સ, બિશુ અને ફિડેલ એડવર્ડ્સ જેવા જાણીતા પ્લેયરો હતા. ભારતે પ્રથમ દાવમાં દ્રવિડ (119), ધોની (144) અને લક્ષ્મણ (176 અણનમ)ની ઇનિંગ્સની મદદથી ભારતે 7 વિકેટે બનાવેલા 631ના સ્કોરે દાવ ડિક્લેર કર્યો હતો. પ્રજ્ઞાનની ચાર, ઉમેશની ત્રણ, અશ્ર્વિનની વિકેટને કારણે કૅરિબિયન ટીમ 153 રનમાં આઉટ થઈ ગયા બાદ બીજા દાવમાં ખાસ કરીને ઉમેશની ચાર વિકેટને લીધે બ્રાવોના 136 રન છતાં 463 રનમાં આઉટ થઈ ગઈ હતી.