ઑસ્ટ્રેલિયાના એક પ્લેયર અને કોચ ટેસ્ટ મેચ પૂર્વે કોવિડના ભરડામાં
બ્રિસ્બેન: વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા 10 વિકેટે જીતી ગયું, પરંતુ ગુરુવારે અહીં ગૅબામાં શરૂ થનારી બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ) પહેલાં જ પૅટ કમિન્સની ટીમને બે ઝટકા લાગ્યા હતા. ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન અને હેડ-કોચ ઍન્ડ્રયુ મૅક્ડોનાલ્ડના કોવિડને લગતા પૉઝિટિવ રિપોર્ટ આવતાં કાંગારૂ ટીમ ચિંતામાં મુકાઈ ગઈ હતી અને બીજી મૅચ પણ જીતીને 2-0થી ક્લીન સ્વીપ કરવાના એના મનસૂબાને વિપરીત અસર થઈ હતી.
ઍડિલેઇડમાં પહેલી ટેસ્ટ પૂરી થયા બાદ ટ્રેવિસ હેડ કોરોના વાયરસના ભરડામાં આવ્યો હતો, પરંતુ 23મી જાન્યુઆરીએ તેનો નેગેટિવ રિપોર્ટ આવી ગયો હતો. તે હવે બીજી ટેસ્ટમાં રમી શકશે.
ગ્રીન અને મૅક્ડોનાલ્ડને આઇસૉલેટ કરી દેવાયા છે અને તેમના નેગેટિવ રિપોર્ટ આવતાં ફરી ટીમ સાથે જોડાવાની તેમને મંજૂરી મળશે એવું એક અહેવાલમાં જણાવાયું હતું.
જોકે ઑસ્ટ્રેલિયન ક્રિકેટના પ્રૉટોકૉલ મુજબ કૅમેરન ગ્રીનનો નેગેટિવ રિપોર્ટ નહીં આવે તો પણ તેને ટેસ્ટમાં રમવાની છૂટ મળશે. તેણે ટીમ માટેના ચુસ્ત પ્રૉટોકૉલ મુજબ જ રમવું પડશે.
વાઇસ કૅપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે ગ્રીન અને મૅક્ડોનાલ્ડ, બંનેની તબિયત સારી છે અને ચિંતા કરવા જેવું કંઈ નથી.