ઇંગ્લૅન્ડના ક્રિકેટરને ભારત માટેના વિઝા મળી ગયા, કૅપ્ટન સ્ટૉક્સે ટૂર રદ કરવા વિચારેલું
લંડન: ઇંગ્લૅન્ડમાં જન્મેલા, પરંતુ પારિવારિક રીતે પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા બ્રિટિશ ઑફ-સ્પિનર શોએબ બશીરને ભારતનો પ્રવાસ કરવા માટેના વિઝા મળી ગયા છે અને તે આ વીકએન્ડમાં ભારત આવશે અને પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમી રહેલી ઇંગ્લૅન્ડની ટીમ સાથે જોડાઈ જશે.
બશીરને વિઝા ન મળ્યા હોવાથી તેણે અબુ ધાબીમાં પ્રૅક્ટિસ-સેશન પૂરું કરીને સાથીઓ જોડે ભારત આવવાને બદલે ઇંગ્લૅન્ડ પાછા જતા રહેવું પડ્યું હતું. જોકે લંડન પાછા આવ્યા બાદ ભારતીય હાઈ કમિશનમાં તેની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં સાદિક મોહમ્મદ, મોઇન અલી અને ઇસ્લામાબાદમાં જન્મેલા ઑસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજાનો ભારત-પ્રવાસ વિઝાના મુદ્દે વિલંબમાં મુકાયો હતો.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે હૈદરાબાદમાં મીડિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે “અબુ ધાબીમાં અમને જ્યારે પહેલી વાર ખબર પડી કે વિઝાના મામલે શોએબ બશીર ભારત નહીં જઈ શકે ત્યારે એક ઘડી અમને બધાને થયું કે બશીરને વિઝા ન મળે ત્યાં સુધી ભારત જવું જ નથી. જોકે આવું મેં મજાકમાં કહ્યું છે, કારણકે હું જાણું છું કે કહેવા કરતાં કરવું ખૂબ અઘરું છે. એ તો મેં ફક્ત મારી લાગણીઓ વ્યક્ત કરી હતી.