બાબરી મસ્જિદનાં મરશિયાં ક્યાં લગી ગવાશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાના કારણે આખો દેશ રામમય છે ને ઉત્સવ માનવી રહ્યો છે. હિંદુઓ માટે આ મોટો પ્રસંગ છે તેથી તેની ઉજવણી સ્વાભાવિક છે પણ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે જ દેશની બે ટોચની સંસ્થાઓમાં બનેલી ઘટનાઓ ચોંકાવનારી છે. પહેલી ઘટના દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં બની કે જ્યાં કેટલાક લોકોએ સ્ટ્રાઈક ફોર બાબરીના નારા લગાવ્યા. દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે વિદ્યાર્થીઓનો ટોળાએ બાબરી મસ્જિદના સમર્થનમાં નારા લગાવ્યા પછી તેમને હટાવવા માટે પોલીસ ખડકવી પડી.
બીજી ઘટના પૂણેના ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટ્યુટ (એફટીઆઈઆઈ)માં બની કે જ્યાં બાબરી ડીમોલિશન, ડેથ ઓફ ડેમોક્રસીનાં બેનર લાગ્યાં. એફટીઆઈઆઈમાં ઠેકઠેકાણે આ પ્રકારનાં બેનર લગાવી દેવાયેલાં. તેના કારણે એક હિંદુવાદી સંગઠનના કાર્યકરોએ અંદર ઘૂસીને બેનર ફાડ્યાં. જે લોકોએ બેનર લગાડેલાં તેમનામાં હિંદુવાદી સંગઠનના કાર્યકરોનો સામનો કરવાની હિંમત નહોતી તેથી કોઈ ઘર્ષણ કે સંઘર્ષ ના થયો પણ તણાવનો માહોલ તો સર્જાઈ જ ગયો.
રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવી રહેલાં લોકો પર મુંબઈના મીરા રોડ પર પણ પથ્થરમારો થયો ને બિહારના દરભંગામાં રામલલાની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યાની ઘટના પણ બની. ગુજરાતના વડોદરા પાસેના પાદરામાં પણ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે શોભાયાત્રા કાઢી રહેલા હિંદુ સમુદાય પર પથ્થરમારો કરવામાં આવ્યો ને ગાઝિયાબાદમાં તો એક મુસ્લિમે પોતાનાં કૂતરાને રામનામનો ખેસ પહેરાવી આખા વિસ્તારમાં ફેરવ્યો. આ બધી ઘટનાઓ શરમજનક અને આઘાતજનક છે પણ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી અને પૂણેના ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટ્યુટ (એફટીઆઈઆઈ)માં બનેલી ઘટના અત્યંત ગંભીર કહેવાય કેમ કે આ ઘટનાઓ દેશનાં ટોચની ગણાતી શૈક્ષણિક સંસ્થાઓમાં બની છે.
મીરા રોડ પર ગેરકાયદેસર ઝૂંપડા બનાવીને રહેનારા લોકો રામભક્તો પર હુમલો કરે કે બીજે ઠેકાણે એવી ઘટના બને એ પણ કટ્ટરવાદ માનસિકતાનું પરિણામ જ છે પણ ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની કટ્ટરવાદી માનસિકતા ધરાવતાં લોકો હોય એ આઘાતજનક છે કેમ કે આ કટ્ટરતા સામૂહિક છે. વ્યક્તિગત રીતે કટ્ટરતા બતાવનારાં લોકોને કાયદાના જોરે કે બીજી રીતે નાથી શકાય પણ સંસ્થાઓમાં પોષાતી કટ્ટરતાને નાથવી મુશ્કેલ છે. તમે કટ્ટરવાદી ટોળાને જેલમાં નાંખી શકો પણ તેમના માનસમાં રહેલી કટ્ટરતાને દૂર ના કરી શકો તેથી જેલમાંથી બહાર આવીને પણ એ લોકો એ જ કામ કરવાનાં. આ કારણે સામૂહિક કટ્ટરતા વધારે ઘાતક છે.
આ પ્રકારની માનસિકતા ધરાવતાં લોકો કોઈ શૈક્ષણિક સંસ્થામાં હોય તેનો અર્થ એ થયો કે, સંસ્થામાં જ કટ્ટરતાને પોષાય તેવો માહોલ બનેલો છે. આ માહોલમાં ભણનારાં વિદ્યાર્થીઓના માનસમાં આ કટ્ટરતાનું ઝેર ભરાયા જ કરે તો એ લોકો ભવિષ્યમાં કેવાં નાગરિક બને એ વિચારવાની જરૂર છે. આ સંસ્થાઓમાં તૈયાર થયેલાં લોકો એવા હશે કે જેમનો પ્રભાવ બીજાં લોકો પર પણ હશે. ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટ્યુટ (એફટીઆઈઆઈ)માં કટ્ટરતાના પાઠ ભણનારા ફિલ્મો ને મનોરંજનનાં માધ્યમો દ્વારા કટ્ટરતા ફેલાવશે ને જામિયા મિલિયામાં ભણનારા સરકારી નોકરીઓ કે બીજે જ્યાં પણ જશે ત્યાં આ બધું જ શીખવશે તેથી કટ્ટરતાનો પ્રસાર ને પ્રચાર થયા કરશે જે સમાજ માટે ખતરનાક કહેવાય.
આ કટ્ટરતાને નાથવી જરૂરી છે કેમ કે અત્યારે તેમને રોકવામાં ના આવે તો ભવિષ્યમાં આ બધી સંસ્થાઓ કટ્ટરતાના અડ્ડા બની જશે. પગલાં નહીં લેવાય તો તેમની હિંમત પણ વધતી જશે. અત્યારે નારા લગાવનારા કે બેનરો ચોંટાડનારા લોકો ભવિષ્યમાં પથ્થરો લઈને નીકળશે ને હથિયારો લઈને પણ નીકળશે. પોતાની કટ્ટરવાદી માનસિકતાને સમર્થન નહીં આપનારાં લોકોને નિશાન બનાવશે. એ લોકો જેમને નિશાન બનાવશે એ પણ ચૂપ તો બેસવાના જ નથી એ જોતાં જોરદાર સંઘર્ષ થશે એ કહેવાની જરૂર નથી. આ સંઘર્ષને નિવારવા માટે કટ્ટરવાદી પરિબળોને નાથવાં જરૂરી છે.
જ્યાં સુધી બાબરી મસ્જિદનો સવાલ છે, તેની વાત કરનારાંની માનસિકતા પર ખરેખર હસવું આવે છે. આ લોકો બાબરી મસ્જિદના નામનાં છાજિયાં ક્યાં લગી લીધા કરશે? બાબરી મસ્જિદ ઈતિહાસનું એવું પ્રકરણ છે કે જે નામશેષ થઈ ગયું છે. છ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ થઈ ગઈ એ સાથે જ એ પ્રકરણ પતી ગયું.
આ દેશના મુસ્લિમો પણ એ વાતને ભૂલી ગયા છે પણ કેટલાંક લોકો બાબરી મસ્જિદની વાત ના ભૂલાય એવું ઈચ્છે છે. જે લોકો હજુય તેના નામે વલોપાત કર્યા કરે છે એ લોકોના ઈરાદા ખરાબ છે. તેમને બાબરીના નામે પોતાના રોટલા શેકવામાં રસ છે, પોતાની દુકાન ચલાવવામાં રસ છે તેથી બાબરીનાં મરશિયાં ગાયા કરે છે. એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એવું પણ કહેવાય એમ નથી કેમ કે જેમની બુદ્ધિ જ ભ્રષ્ટ થયેલી છે તેમને ભગવાન પણ ના સુધારી શકે.
બાબરી મસ્જિદ ધ્વંશને બંધારણનો નાશ ગણાવનારા આ દેશના બંધારણનું અપમાન કરી રહ્યા છે કેમ કે આ દેશનું બંધારણ એટલું તકલાદી પણ નથી કે પાંચસો વરસ પહેલાં બંધાયેલી મસ્જિદના તૂટવાથી તૂટી જાય. ને મૂળ વાત તો એ કે, એક મુસ્લિમ આક્રમણખોરે હિંદુ મંદિરને તોડીને બનાવેલી મસ્જિદને આ દેશના બંધારણ સાથે કઈ રીતે સરખાવી શકાય? ને એક મસ્જિદ તૂટી ગઈ એટલે આ દેશનું બંધારણ મરી પરવાર્યું? આવી વાતો કરનારાંને જાહેરમાં ફટકારવા જોઈએ. બાબરી મસ્જિદ કોના માટે પવિત્ર હતી એ ખબર નથી પણ આ દેશનું બંધારણ આ દેશમાં રહેનારી એક-એક વ્યક્તિ માટે પવિત્ર છે. જે લોકો માનતાં હોય તેમનો તો સવાલ નથી પણ જે લોકો ના માનતાં હોય તેમણે પણ જખ મારીને આ દેશના બંધારણને પવિત્ર માનવું પડશે.
આ દેશમાં રહેવું હશે તો આ દેશના બંધારણને માન આપવું પડશે ને બંધારણ મરી પરવાર્યું એવો બકવાસ કરવાથી દૂર રહેવું પડશે. આ દેશની બહુમતી પ્રજા બંધારણને પવિત્ર માને છે ને તેને પાળે છે એટલે તમારા જેવા લોકો જીવે છે, બાકી જે દિવસે બંધારણ મરી પરવારશે એ દિવસે શું હાલ થશે તેનો તેમને અંદાજ જ નથી.