ભારતીય ટીમ અસંમજસમાં, ઇંગ્લૅન્ડે ઍન્ડરસન વિનાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી
હૈદરાબાદ: ભારત ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં એકેય દેશ સામે સિરીઝ નથી હાર્યું અને 2012થી ચાલી આવતી એ પરંપરા જાળવી રાખવાના સંકલ્પ સાથે રોહિત શર્મા અને તેની ટીમ ગુરુવારે હૈદરાબાદમાં શરૂ થતી પાંચ મૅચવાળી શ્રેણીની પ્રથમ મૅચમાં રમવા ઉતરશે.
ભારતની પિચો સ્પિન-ફ્રેન્ડ્લી હોવાથી આર. અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજા ઉપરાંત ભારતીય ટીમની ઇલેવનમાં ત્રીજા સ્પિનરનો સમાવેશ કરાશે એવી સંભાવના છે. જોકે અક્ષર પટેલને રમાડવો કે કુલદીપ યાદવને એ વિશે ટીમનું મૅનેજમેન્ટ મૂંઝવણમાં છે. અક્ષર બૅટિંગમાં પણ ઉપયોગી બનતો હોવાથી તેનો ચાન્સ વધુ છે. હા, કુલદીપ વિકેટ-ટેકિંગ સ્પિનર તરીકે જાણીતો છે એટલે કંઈ કહી ન શકાય.
બેન સ્ટોક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓ 1600 માઇલ દૂર અબુ ધાબીમાં 10 દિવસ પ્રૅક્ટિસ કરીને હૈદરાબાદ આવ્યા છે, પરંતુ ભારતની પિચો પર તેમની જે હાલત થશે એ સાવ જુદી જ હશે એટલે તેમની પ્રૅક્ટિસ 50 ટકા પણ કારગત નીવડશે તો એ તેમના ફાયદામાં કહેવાશે.
વિરાટ કોહલી અંગત કારણસર બે મૅચ માટે ટીમમાં નથી એ ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે. રજત પાટીદારને તેના સ્થાને સ્ક્વૉડમાં લેવામાં આવ્યો છે અને તેને રમવાનો મોકો મળે પણ ખરો. જોકે ચોથા અને પાંચમા નંબરે અનુક્રમે શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ રમશે, જ્યારે કેએસ ભરત વિકેટકીપિંગની જવાબદારી સંભાળવા ઉપરાંત મિડલમાં બૅટિંગમાં પણ ઉપયોગી બનશે.
બીજી બાજુ, ઇંગ્લૅન્ડે પ્લેઇંગ-ઇલેવન જાહેર કરી દીધી છે જેમાં પીઢ વિકેટકીપર જૉની બેરસ્ટૉને માત્ર બૅટિંગ પર એકાગ્રતા રાખવાની જવાબદારી સોંપાઈ છે અને વિકેટકીપિંગની જવાબદારી બેન ફૉક્સને સોંપાઈ છે. નવાઈની વાત એ છે કે સૌથી પીઢ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનને ટીમ્ામાં સ્થાન નથી અપાયું. લેફ્ટ-આર્મ સ્પિનર ટૉમ હાર્ટલીને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો અપાયો છે. રેહાન અહમદ ટીમનો બીજો સ્પિનર છે. 35 ટેસ્ટમાં 124 વિકેટ લઈ ચૂકેલો જૅક લીચ બ્રિટિશ ટીમનો ત્રીજો સ્પિનર છે.
હવે તો દરેક ટીમે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે પણ પૉઇન્ટ ભેગા કરવાના હોવાથી એ માનસિક દબાણ તેમના પર વધારાનું હોય છે.
હૈદરાબાદમાં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ સૂકી છે, પરંતુ કોઈક સ્થાને પાણી છાંટવામાં આવ્યું છે.
ભારતની સંભવિત ઇલેવન અને ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવન
ભારત (સંભવિત): રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, આર. અશ્ર્વિન, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઇંગ્લૅન્ડ: ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પૉપ, જો રૂટ, જૉની બેરસ્ટૉ, બેન સ્ટૉક્સ (કૅપ્ટન), બેન ફૉક્સ (વિકેટકીપર), રેહાન અહમદ, માર્ક વૂડ, ટૉમ હાર્ટલી અને જૅક લીચ.