કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાતને નકારી! ફેસબુક પોસ્ટમાં કર્યો ખુલાસો
આજે ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના સ્થાનિક સ્તરના અમુક નેતાઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના નેતૃત્વમાં કેસરિયો ધારણ કરી લીધો. એ પછી સતત એવા અહેવાલો વહેતા થયા કે સ્થાનિક સ્તરે ગાબડું પડ્યા બાદ કોંગ્રેસના અમુક ધારાસભ્યો પણ પક્ષને રામરામ કરી દેશે. સૌથી વધુ ચર્ચાતું નામ હતું પોરબંદરના ધારાસભ્ય અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અર્જુન મોઢવાડિયાનું. જો કે તેમણે તરત સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને અફવાને રદિયો આપ્યો, એ પછી મહિસાગર જિલ્લાના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપવાના છે તેવા મીડિયા અહેવાલો પ્રસારિત થતા તેમણે પણ સોશિયલ મીડિયામાં ચોખવટ કરીને વાત નકારી દીધી છે.
ગુલાબસિંહ ચૌહાણે ફેસબુક પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે “મારી સાથે કોઇપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઇ રહી છે જે બિલકુલ ખોટી છે. હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી છે.”
દેશમાં જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં નેતાઓ વચ્ચે જોડતોડનું રાજકારણ શરૂ થઇ ગયું છે. શરૂઆત થઇ હતી આમ આદમી પાર્ટીના વિસાવદરના(જૂનાગઢ) ધારાસભ્ય ભૂપત ભાયાણી સાથે, તેમને ફોલો કર્યા કોંગ્રેસના ખંભાતના (આણંદ) ધારાસભ્ય ચિરાગ પટેલ અને કોંગ્રેસ ના જ વિજાપુરના (મહેસાણા) ધારાસભ્ય ચતુર ચાવડાએ. આજે વધુ 2 વિકેટ પડવાની અટકળો હતી, પરંતુ જેના વિશે એ અટકળો હતી એ બંને નેતાઓએ સ્પષ્ટતા કરી મામલો રફેદફે કરી નાખ્યો છે.