નેશનલ

મમતાના ‘એકલો ચલો રે’ના રટણ સામે કોંગ્રેસે આપ્યો આ જવાબ

Jairam Ramesh on Mamata Benerjee: લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A. ગઠબંધનને એક જ દિવસમાં 2 ફટકા પડ્યા છે. પહેલા મમતા બેનરજીએ જાહેરાત કરી કે તેઓ એકલા જ લોકસભાની ચૂંટણી લડશે, અને એ પછી પંજાબમાં પણ મુખ્યપ્રધાન માને જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરે, સ્વતંત્રપણે ચૂંટણી લડશે. જો કે પશ્ચિમ બંગાળના ફટકાથી વધારે નુકસાનની આશંકાને પગલે કોંગ્રેસે જયરામ રમેશને હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાનમાં ઉતાર્યા છે.

“TMC વિના ગઠબંધનની કલ્પના જ ન કરી શકાય. ક્યારેક ક્યારેક સ્પીડ બ્રેકર આવતા હોય છે, ક્યારેક ક્યારેક લાલબત્તી આવતી હોય છે પરંતુ એનો એવો અર્થ નથી કે આપણે પાછા હટી જઇએ. આપણે સ્પીડબ્રેકર પાર કરીએ છીએ. આ જ સવાલ રાહુલ ગાંધીને પણ પુછાયો હતો. તેમણે કહ્યું હતું કે આપણે મમતા બેનર્જી અને ટીએમસી વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના ન કરી શકીએ.”

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણે ભાજપને હરાવીશું, અમે પણ એ જ માનસિકતા સાથે બંગાળમાં પ્રવેશી રહ્યા છીએ. કોઇક રીતે વચલો રસ્તો જરૂર નીકળશે. I.N.D.I.A. ગઠબંધન પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી લડશે જ અને તેમાં તમામ પક્ષોનો સહયોગ રહેશે.” તેવું કોંગ્રેસ નેતાએ સમજાવ્યું હતું.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે “કોંગ્રેસ સાથે બેઠકોની વહેચણી મુદ્દે મારી સાથે કોઇ ચર્ચા થઇ નથી. મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા જ ચૂંટણી લડીશું. મને એ વાતની ચિંતા નથી કે દેશમાં શું થઇ રહ્યું છે, પરંતુ TMC એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે અને પશ્ચિમ બંગાળમાં છે. અમે એકલા જ ભાજપને હરાવી દેશું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અમારે ત્યાંથી પસાર થઇ રહી છે પરંતુ અમને જાણ કરાઇ નથી.” તેવું મમતાએ ઉમેર્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button