મનોરંજન

અરૂણ ગોવિલને જ્યારે એરપોર્ટ પર મળ્યા મુસ્લિમ ફેન્સ, આવું હતું અભિનેતાનું રિએક્શન

ટીવી અભિનેતા અરૂણ ગોવિલને કોણ નથી ઓળખતું. દૂરદર્શનની પ્રખ્યાત ધારાવાહિક ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા અરૂણ ગોવિલને આજે પણ લોકો સાક્ષાત રામ ભગવાનનું સ્વરૂપ માને છે. ફક્ત હિંદુ જ નહિ પરંતુ દરેક ધર્મના લોકો તેમને ખૂબ આદર અને સન્માન આપે છે, અને આ વાતનો પુરાવો છે તાજેતરની એક ઘટના કે જેમાં અરૂણ ગોવિલને એરપોર્ટ પર મળીને તેમના એ પ્રશંસકો કે જેઓ હિંદુ નહિ પરંતુ મુસ્લીમ હતા, એ અત્યંત ખુશ થયા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે અરૂણ ગોવિલ એરપોર્ટ પર છે. કુર્તા-પાયજામા પહેરેલો એક શખ્સ તેમની નજીક આવે છે અને તેમને આનંદથી મળે છે, પોતાના બાળકો સાથે તે વ્યક્તિ અરૂણ ગોવિલ સાથે સેલ્ફી પણ લઇ રહ્યો છે. આ દરમિયાન અરૂણ ગોવિલ પણ સ્મિત આપી રહ્યા છે અને શાંતિથી એક ખૂણે ઉભા રહીને તેઓ તેમના ચાહકો સાથે તસવીરો પડાવે છે.

આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક તરફ યુઝર્સ આ પરિવારનું સન્માન કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ અરુણ ગોવિલના વખાણ કરતા પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે “અમે ભારતીય મુસ્લિમો પણ રામાયણ જોઈને મોટા થયા છીએ.

જો હું ત્યા હોત તો મેં પણ આ રીતે સેલ્ફી લીધી હોત.” અન્ય એક યુઝરે લખ્યું હતું કે “હું મહામારી દરમિયાન મારા આખા પરિવાર સાથે રામાયણ જોતો હતો. મને તેમના માટે ખૂબ માન છે. હું ગર્વથી કહી શકું છું કે હું એક રામાયણ જોતો ભારતીય મુસ્લિમ છું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button