આપણું ગુજરાત

પ્રેમી સાથે ઠંડા કલેજે કરી પતિની હત્યાઃ દોઢ વર્ષ બાદ કાતિલ પત્નીનો પોલીસે કર્યો પર્દાફાશ

અમદાવાદઃ અમદાવાદની પરિણીત સાફિન ખાતુને પ્રેમી અહમદ મુરાદ સાથે મળીને પોતાના જ પતિ મહેરબાન ખાનને દોઢ વર્ષ પહેલા મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ રૂપ પોતાના પતિનું પ્રેમી સાથે મળીને દોરડાથી ગળું દબાવી દીધું હતું. અને બાદમાં પતિની લાશને ઠેકાણે પાડવા માટે થઈને વાસણા બેરાજ રિવર ફ્રન્ટના કોઈ સૂમસામ જગ્યા પર શબ ફેંકી દીધું હતું.

શાતીર દિમાગ ધરાવનારી પત્નીએ પોતાના પતિના ગાયબ થઈ જવાની ખોટી અફવા ફેલાવી હતી. જોકે, આ મામલે કોઈ કેસ થયો ન હતો, પરંતુ તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપી પ્રેમી યુગલની અટક કરી છે. પોલીસની આકરી પૂછપરછમાં આરોપી યુગલ ભાંગી પડ્યું હતું અને પોતાના ગુનાની કબૂલાત પણ કરી લીધી છે.

પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સફિયા અને અહેમદ વચ્ચે લગભગ બે વર્ષ પહેલા પ્રેમ સંબંધ સ્ફુર્યો હતો, જેમાં સફિયા ખાતૂનનો પતિ મેહરબાન ખાન આંખમાં કણાની જેમ ખટકી રહ્યો હતો. પતિ અહેમદ મુરાદના કારણે બંને પ્રેમીઓ વચ્ચે ઝઘડા થતા હતા. જેનો કાયમી ઉકેલ શોધવા સફિયાએ એક કાવતરું ઘડ્યું. દોઢ વર્ષ પહેલા મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની ગોળીઓ ખરીદી અને તેને કોફીમાં ભેળવીને તેના પતિ મેહરબાન ખાનને બેભાન કરી નાખ્યો.

પતિના બેહોશ થઈ જવા બાદ બાદ પ્રેમી યુગલે રાત્રે મેહરબાન ખાનનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃતદેહનો નિકાલ કરવા બંને જણા વાસણા બેરેજ તરફ જતા પાકા રસ્તા પર ગયા હતા. અને વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે લાશને નદી કિનારે ફેંકી દીધી હતી.

બાદમાં મૃતદેહ ઉપર તાડના મોટા પાન મુકવામાં આવ્યા હતા. આ પછી તપાસ દરમિયાન પોલીસને મેહરબાનનો મૃતદેહ વિકૃત હાલતમાં મળ્યો હતો. હાલ આરોપી પ્રેમી અને પ્રેમિકા સામે સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીક સમગ્ર મામલ જણાવે છે કે આ ઘટના સવારે સાડા ચાર વાગ્યે બની હતી અને હત્યા બાદ લાશને નદી કિનારે ફેંકી દેવામાં આવી હતી. મૃતક મહેરબાન અને સફિયાના લગ્ન વર્ષો પહેલા થયા હતા. મૃતક મહેરબાન, સફિયા અને તેનો પ્રેમી મૂળ ઉત્તર પ્રદેશના હતા અને હાલ અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા હતા. મૃતક અને મહિલાનો પ્રેમી બંને મજૂરી કામ કરતા હતા, જ્યારે મહિલા ગૃહિણી છે. મહિલાનું તેના પ્રેમી સાથે છેલ્લા બે વર્ષથી અફેર હતું. હત્યા બાદ મહિલા અને તેનો પ્રેમી સામાન્ય જીવન જીવી રહ્યા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા મહિલાએ તેના પતિના ગુમ થવા અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button