અહમદનગરમાં એસટી બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત
અહમદનગર: અહમદનગર જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે ટ્રેક્ટર અને કારને અડફેટમાં લેતાં છ જણનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પારનેર તહેસીલમાં અહમદનગર-કલ્યાણ માર્ગ પર ધવલીપુરી ફાટા પાસે મંગળવારે મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. શેરડી લઇ જઇ રહેલું ટ્રેક્ટર માર્ગ પર ઊંધું વળી ગયું હતું, જેને પગલે ત્યાં અન્ય ટ્રેક્ટર મગાવવામાં આવ્યું હતું અને તેમાં શેરડી ભરવામાં આવી રહી હતી. એ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા કારચાલકે કાર થોભાવી હતી અને ટ્રેક્ટરમાં શેરડી ભરી રહેલા લોકોને મદદ કરવા લાગ્યો હતો.
દરમિયાન ટ્રેક્ટરે યુ-ટર્ન લેતાં સામેથી આવી રહેલી એસટી બસે ટ્રેક્ટર અને કારને ટક્કર મારી હતી, જેમાં છ જણનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. અકસ્માતની જાણ થતાં પારનેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ ઘટનાની નોંધ કરી વધુ તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.