પશ્ચિમ બંગાળનાં CM Mamata Banerjeeની કારને નડ્યો અકસ્માત, જાણો કઈ રીતે થયો અકસ્માત?
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ના વડા મમતા બેનરજીની કારને બુધવારે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને ઈજા પહોંચી હતી. મમતા બેનરજીની કાર અન્ય કારને ટકરાતી રોકવા માટે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે અકસ્માત થયો હતો. આ અકસ્માત પછી તેમને સારવાર અર્થે એસએસકેએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બુધવારે વર્ધમાનમાં વહીવટી અધિકારીઓ સાથે બેઠકમાં ભાગ લેવા માટે મમતા બેનરજી પહોંચ્યા ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે તેમની કારનો કાફલો અકસ્માતનો ભોગ બન્યો હતો. સીએમની કારનો કાફલો ઝડપથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તો ઊંચો હોવાને કારણે એકાએક કારચાલકે બ્રેક મારી હતી, તેથી અકસ્માત થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર અહીંના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો તેમ જ ફોગનું પ્રમાણ વધુ હતું. અહીંથી પસાર થતી વખતે કારને બ્રેક લગાવતી વખતે કારચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં મમતા બેનરજીના માથામાં ઈજા પહોંચી છે. તેઓ વર્ધમાનથી કાર મારફત કોલકાતા પાછા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ધમાનમાં મીટિંગથી પહેલા મમતા બેનરજીએ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો, ત્યાંથી મમતા બેનરજી હેલિકોપ્ટરથી કોલકાતા પાછા ફરવાના હતા, પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે રસ્તા માર્ગે પાછા ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.