અર્જુન મોઢવાડિયા નહી, આ ધારાસભ્ય જોડાશેે ભાજપમાં!
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ફરીવાર ખળભળાટના એંધાણ છે. અમુક મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો આવતીકાલે અથવા શુક્રવારે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ગુજરાતની વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. તેમણે સી.આર. પાટિલ સાથે મુલાકાત પણ કરી હોવાના અહેવાલો છે.
તેઓ પહેલા ભાજપમાં જ હતા. જો ખરેખર તેઓ ભાજપમાં જોડાઇ જાય તો પછી વાઘોડિયાની બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના એક બાહુબલી નેતા ગણાય છે. તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં વાઘોડિયાના ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ અને આપના ગૌતમ સોલંકી વચ્ચે અપક્ષ લડીને 14 હજાર મતોથી તેમને હરાવ્યા હતા.
અન્ય એક ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને ભાજપે વિધાનસભા માટે ટિકીટ ન આપતા તેઓ પણ અપક્ષ લડ્યા હતા જેને કારણે મતોનું વિભાજન થતા ધર્મેન્દ્રસિંહને ફાયદો થયો હતો.
ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેઓ તમામ ઉમેદવારોમાંથી સૌથી ધનવાન ઉમેદવાર હતા. 2017ની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા. પરાજય બાદ તેમણે લોકોની વચ્ચે જઇને સામાજીક સેવાના કાર્યો કરી જાતને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા હતા. હવે લોકસભા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી તેમને ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે.