રામ મંદિરને લઈને PM મોદીએ કેબિનેટ મંત્રીઓને પૂછ્યો આ સવાલ, તો રાજનાથ સિંહે…
નવી દિલ્હી: આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં 500 વર્ષની લાંબી લડાઈ બાદ રામ મંદિર બનાવવાનું સપનું સાકાર થયું છે (Ram Mandir Ayodhya). તેનો ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ હતો. આ દિવસે સમગ્ર દેશમાં ફરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યાએ 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ફરી પોતાના રામલલ્લાના દર્શન કર્યા. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતું.
જ્યારે આજે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને રામ મંદિરને લઈને સવાલ પૂછ્યો હતો (Modi Cabinet Meeting). PM મોદીએ પોતાના મંત્રીઓને પૂછ્યું હતું કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને લઈને લોકોમાં શું સંદેશ છે? આ પ્રશ્નના જવાબમાં દરેક મંત્રીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહે કેબિનેટ બેઠકમાં મંદિર ઉદ્ઘાટનને લઈને PM પ્રત્યે ધન્યવાદ પ્રસ્તાવનું વાંચન કર્યું. આ વેળાએ દરેક મંત્રીઓએ પોતાની બેઠક પરથી ઊભા રહીને તાળીઓ સાથે તેમનું સમર્થન કર્યું હતું. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના નિર્ણયને લઈને પણ કેન્દ્રિય મંત્રીઓએ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
બુધવારે પણ રામલલાના દર્શન માટે અયોધ્યામાં ભારે ભીડ ઉમટી હતી. લગભગ એક કિલોમીટર લાંબી ભક્તોની લાઈન જોવા મળી હતી. રામ ભક્તો મોડી રાતથી કતારમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. તંત્ર સતત ભીડને કાબૂમાં લેવા માટે મથામણ કરી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે. હવે ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. અગાઉ આ સમય માત્ર સાંજે 7 વાગ્યા સુધીનો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં રામ ભક્તોનું ઘોડાપૂરજોવા મળ્યું હતું. સોમવારે મધરાતથી જ રામ ભક્તો દર્શન માટે ઉમટવા લાગ્યા હતા. મંગળવારે પાંચ લાખથી વધુ ભક્તોએ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા. ભક્તોની ભારે ભીડને જોતા ઘણી વખત ભીડ કાબૂ બહાર જતી હોય તેવું લાગતું હતું, પરંતુ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને લોકોને કતારોમાં ઉભા કરી ભગવાન રામના દર્શન કરવા દીધા હતા.