Goldમાં ₹80 અને Silverમાં ₹164નો સુધારો
મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પીએમઆઈ ડેટા પર રોકાણકારોની નજર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૪નો સાધારણ સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાથી તેની પણ સોનાના ભાવ પર ખાસ અસર નહોતી જોવા મળી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૬૪ના સુધારા સાથે રૂ. ૭૦,૪૭૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ નીચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરા પેટેની માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૧૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૪૩૫ના મથાળે રહ્યા હતા.
તાજેતરના અમેરિકાના જાહેર થયેલા આર્થિક ડેટાઓથી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની શક્યતા ધૂંધળી બનતાં સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. જોકે, પ્રવર્તમાન મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગને ટેકે ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
આજે મોડી સાંજે અમેરિકાના જાહેર થનારા પીએમઆઈ ડેટા ઉપરાંત આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાનાં જીડીપીના ડેટા અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશનના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી શેષ સપ્તાહ દરમિયાન સોનામાં નવી લેવાલીમાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ જળવાઈ રહે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૨૩.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૨૦૨૪.૫૦ ડૉલર, જ્યારે ચાંદીના ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.