અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ મોટી સંખ્યામાં ભક્તો રામ લલ્લાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ગઈ કાલે લગભગ 5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા, આ દરમિયાન મંદિર પરિસરમાં અરાજકતાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ગઈકાલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VVIP લોકોને 10 દિવસ બાદ આવવાની અપીલ કરી છે.
યુપી સરકારે કહ્યું કે VVIP મહેમાનો 10 દિવસ સુધી અયોધ્યા ન આવે. જો તમે આવો તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવવા વિનંતી છે. જેથી કરીને વધુ સારી સુવિધા આપી શકાય. અત્યારે ભીડ ઘણી વધારે છે.
મંગળવારે 5 લાખ શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ભીડને કારણે સ્થિતિ એવી બની કે ખુદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અયોધ્યા પહોંચવું પડ્યું હતું. થોડા કલાકોમાં જ વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. આજે બુધવારે સવારથી રામ મંદિરમાં રામલલાના દર્શન માટે ભક્તોને એક પછી એક મોકલવામાં આવી રહ્યા છે.
અયોધ્યા પ્રશાસનનું કહેવું છે કે આજે સ્થિતિ નિયંત્રણમાં છે. ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. સવારે લાંબી કતારો લાગી હતી, પરંતુ અડધા કલાકમાં જ ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા હતા. એક બાજુથી લોકો જઈ રહ્યા છે અને બીજી બાજુથી લોકો દર્શન કરીને પાછા આવી રહ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રામજન્મભૂમિ પથ પર માત્ર ભક્તોને જ જવા દેવામાં આવે છે.
અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રામ ભક્તોને સવારે 7 થી 11 વાગ્યા સુધી દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને