
અયોધ્યા: ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરના કપાટ ખુલવાનો સમય સવારે સાત વાગ્યાનો છે પરંતુ મંદિરના પરિસરમાં દર્શન માટે મધરાતથી જ લાઈનો લાગી ગઈ હતી. ભક્તો પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મંદિરમાં દર્શન કરવાનો એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાના બીજા દિવસે એક ક બે લાખ નહિ પરંતુ પૂરા પાંચ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. ભક્તોની મોટી સંખ્યામાં ધ્યાનમાં રાખીને મંદિરને રાતે 9 વાગ્યા સુધી દર્શન કરવા માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.
આટલી મોટી સંખ્યામાં ભક્તોનો પ્રવાહ જોઈને વ્યવસ્થામાં કોઈ પ્રશ્નો ઉભા થાય તે માટે સીએમ યોગી આદિત્યનાથે પોતે સાંજે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ભક્તોને અયોધ્યા પહોંચ્યા બાદ ધીરજ રાખવાનો આગ્રહ કર્યો. આ ઉપરાંત અયોધ્યા આવતી રોડવેઝની બસોને પણ વચ્ચે થોડો સમય રોકવી પડી હતી જેથી આગળના લોકો દર્શન કરીને નીકળી જાય પછીજ બીજા ભક્તો અંદર જાય અને વ્યવસ્થા જળવાઈ રહે.
IG રેન્જ પ્રવીણ કુમારે કહ્યું હતું કે ભીડ સતત વધી રહી હતી પરંતુ અમારી પણ તૈયારીઓ પૂર્ણ હતી અમને અગાઉથી જ અંદાજ હતો કે ભક્તો મોટી સંખ્યામાં આવશે પરંતુ ડબલ કરતા પણ વધી જશે એ નહોતું વિચર્યું. જોકે અમે ભક્તોને કોઈ અગવડતા ના પડે અને શક્ય તેટલી તમામ સુવિધા મળી રહે તેનું પૂરતું ધ્યાન રાખીએ છીએ. આ ઉપરાંત અમે વૃદ્ધો અને વિકલાંગોને બે અઠવાડિયા પછી દર્શનાર્થે આવે તેવી અપીલ કરીએ છીએ.
22 તારીખે સવારે સાત વાગે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા પરંતુ ભક્તોની ભીડને જોઈને હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અખંડ દર્શન થશે. ડીએમ નીતિશ કુમારે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આરતી અને ભોગ માટે થોડા સમય માટે દર્શન બંધ કરી દેવામાં આવશે.