ચીનમાં ભૂકંપ: અનેક ઘરો ધ્વસ્ત
બીજિંગ: ચીનના પશ્ર્ચિમ ઝિનઝિયાન્ગ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૭ ઘર તૂટી પડ્યા હોવા ઉપરાંત ૭૮ ઘરને ભારે નુકસાન થયું હતું અને છ જણ ઘાયલ થયા હોવાનું વહીવટકર્તાઓએ કહ્યું હતું. ઈજા પામેલાઓમાંથી બેની હાલત ગંભીર છે તો બાકીના ચાર જણને નજીવી ઈજા થઈ હોવાનું તેમણે કહ્યું હતું.
ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે ૨૦૦ જણની ટૂકડી મોકલવામાં આવી હોવાનું ચીનના અર્થક્વેક નૅટવર્ક સેન્ટરે કહ્યું હતું.
ભૂકંપને કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે વીજપુરવઠો જલદી જ ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો. ભૂકંપને કારણે રેલસેવા પણ ખોરવાઈ ગઈ હતી અને ૨૩ જેટલી
ટ્રેન રદ કરવી પડી હતી. ટિઆન શૅન પર્વતીય વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ અનેક આફ્ટરશૉક પણ અનુભવાયા હતા. ભૂકંપને કારણે સ્થળાંતર કરાયેલા લોકોને અર્ધલશ્કરી દળની ટૂકડી દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં માઈનસ ૧૮ ડિગ્રી જેટલું નીચું તાપમાન હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
ચીનના યુનાન પ્રાન્તના લિઆન્ગસુઈ ગામમાં સોમવારે બનેલી ભેખડો ધસી પડવાની ઘટના બાદ બચાવકર્તાઓ કાટમાળ હેઠળથી મૃતદેહ શોધી કાઢવાનું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે ૧૧ મૃતદેહ શોધી કાઢ્યા છે.
ભેખડો ધસી પડવાને કારણે કાટમાળમાં ફેરવાઈ ગયેલા ૧૮ ઘરના ૪૭ લોકોમાંથી બેને જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. પશ્ર્ચિમ ચીનમાં ભૂકંપ સામાન્ય બાબત છે અને અહીં અવારનવાર ભૂકંપ આવતા રહે છે. (એજન્સી)