ઈન્ટરવલ

ઈરાન-પાકિસ્તાનની ફ્રેન્ડલી લડાઈ…કહીં પે નિગાહે, કહીં પે નિશાના!

ઈરાન સાથેની આવી અથડણનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન એને ત્યાં ૮ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી મોકૂફ રાખે તો નવાઈ નહીં…

પ્રાસંગિક -અમૂલ દવે

મધ્યપૂર્વમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર મહિનાથી ચાલતા યુદ્ધને લીધે તંગદિલી છે ત્યારે બે પડોશી ઈરાન અને પાકિસ્તાને એકમેકના ક્ષેત્રમાં અભૂતપૂર્વ હુમલા કર્યા છે, જેને લીધે જગતમાં એક નવો મોરચો ઊભો થાય એવી શંકા ઊભી થઈ હતી, પરંતુ આ અથડામણને ગંભીરતાથી લેવાની જરૂર નથી. આ એકમેકને મદદ કરવા માટે અને વિશ્ર્વને ગેરમાર્ગે દોરવાની ચાલ અને સમજૂતી સિવાય બીજું કશું નથી.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઈરાને ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ હુમલા કર્યા પછી પાકિસ્તાનના સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં બે બાળકોના મરણ થયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ઈરાને એવો દાવો કર્યો કે તેણે પાકિસ્તાની ધરતી પર રહેલા ઈરાની આતંકવાદીઓને લક્ષ્ય બનાવ્યા હતા. આ હુમલાના બે દિવસ બાદ પાકિસ્તાને ડ્રોન વડે સિસ્તાન અને બલુચિસ્તાન પર વળતો હુમલો કર્યો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે દસ પાકિસ્તાની આતંકવાદી આ હુમલામાં માર્યા ગયા હતા.

આ હુમલા બાદ પાકિસ્તાને તેના રાજદૂત ઈરાનથી પાછા બોલાવ્યા હતા. તુર્કીના વિદેશપ્રધાને ઈરાન અને પાકિસ્તાનના સમકક્ષ સાથે વાતચીત કરીને મામલો શાંત પાડવાની વિનંતી કરી હતી. અમેરિકાએ પણ બંને દેશને સંયમ રાખવાની અપીલ કરી હતી. અલબત્ત, બંને દેશોએ એકમેકને મિત્રરાષ્ટ્રો ગણાવીને તંગદિલી ઓછી કરી હતી.

આ હુમલા-પ્રતિ હુમલા વિશે શંકા જાગે છે એનું કારણ એ છે કે તહેરાનના પાકિસ્તાન પરના મિસાઈલ હુમલાના થોડા કલાક પહેલાં જ સ્વીટઝરલેન્ડના દાવોસની વિશ્ર્વ આર્થિક શિખર સંમેલન પહેલાં ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ હક કાકારને મળ્યા હતા. એક દિવસ પહેલાં જ ઈરાન અને પાકિસ્તને ઈરાની અખાતમાં નૌકાદળની સંયુક્ત કવાયત કરી હતી. આ મૈત્રીભર્યા હુમલા અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સામે કોઈ દુ:સાહસ ન કરે એ માટે કરાયા હતા. ઈરાને પાકિસ્તાન ઉપરાંત ઈરાક અને સીરિયા પર પણ મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલા વડે તહેરાન તેના લોકોને એવો સંદેશો આપ્યો કે સરકાર ઈરાનના હિતની વિરુદ્ધ કામ કરી રહેલા તત્ત્વો સામે પ્રતિકારી હુમલા કરવા સમર્થ અને સક્ષમ છે. પાકિસ્તાન આ હુમલાનો ફાયદો ઉઠાવીને ત્યાં આઠ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણી મોકૂફ કરે તો નવાઈ નહીં. હા, ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ૯૦૦ કિલોમીટરની (૫૬૦ માઈલ)ની સરહદ છે. આમાં પાકિસ્તાનનો અશાંત પ્રાંત બલુચિસ્તાન એક બાજુએ છે અને બીજી બાજુએ ઈરાનના બલુચિસ્તાન અને સિસ્તાન છે. બલુચિસ્તાનીઓ અલગ દેશની માગણી કરી રહ્યા છે અને તેથી જ ઈરાન અને પાકિસ્તાન એક સામાન્ય દુશ્મન ધરાવે છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ઈરાન બન્ને પેલેસ્ટાઈનના મજબૂત ટેકેદાર છે. બન્ને દેશમાં ફરક એટલો જ છે કે પાકિસ્તાનમાં સુન્નીન અને ઈરાનમાં શિયાઓને દબદબો છે. આમ પાકિસ્તાન અને ઈરાન બન્ને એક જ છે, કારણ કે બન્નેને ચીનનો મજબૂત ટેકો છે. પાકિસ્તાન અમેરિકા સાથે પણ સારા સંબંધો ધરાવે છે.

અહીં એક નોંધવા જેવી અગત્યની વાત એ છે કે ગાઝાપટ્ટી હોય કે પાકિસ્તાન હોય બધી અથડામણમાં ઈરાન કોમન લીન્ક છે. ઈરાને આ અગાઉ જ ઈઝરાયલ, અમેરિકા અને ઈરાક સામે મોરચા ખોલી દીધા છે. આથી તેને પાકિસ્તાન સામે નવો મોરચો ખોલવાનું પાલવે એમ નથી.

ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના નિર્દેશ પ્રમાણે ઈરાન પશ્ચિમ એશિયાના અનેક દેશોમાં પ્રોક્સી વોર લડી રહ્યું છે. ઈરાન પેલેસ્ટાઈન ઈસ્લામિસ્ટ ગ્રૂપ હમાસ અને ઈસ્લામિક જિહાદને ટેકો આપે છે. ઈરાનના અર્ધ લશ્કરી જવાનોથી રચાયેલો પોપ્યુલર મોબીલાઈઝેશન ફોસીર્સ ઈરાનને વફાદાર છે. આ ફોસીર્સ ઈરાક અને સીરિયામાં અમેરિકાના મથક પર હુમલા કરે છે.

૨૦૧૧માં સીરિયામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો હતો ત્યાર બાદ ઈરાને દરમિયાનગીરી કરીને બશર અલ-શાદને ગાદીએ બેસાડ્યા હતા. સીરિયા ઈરાક અને લેબેનોન વચ્ચેના ઈરાની પ્રોક્સી માટેની ચાવીરૂપ ટ્રાન્ઝીટ રૂટ છે.

૧૯૮૦ના દાયકામાં ઈઝરાયલના લશ્કરી દળો સામે લડવા હિજબુલ્લાહ તહેરાનનો વિશ્ર્વાસુ સાથીદાર છે. તે ઈઝરાયલી લશ્કરી દળો પર સતત હુમલા કરે છે.
હૂથી જૂથે ૨૦૧૪માં યમનના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે. ઈરાને સાઉદી અરેબિયા સામેની લડાઈમાં હૂથીને સાથ આપ્યો હતો. આ હૂથી હવે રાતા સમુદ્રમાં આવતા જહાજો પર હુમલો કરે છે. આ હુથી પેલેસ્ટાઈનના લોકોને સમર્થન આપવા માટે કરાય છે.

૧૯૭૯ની ક્રાંતિ બાદ ઈરાનમાં સિયા મુસ્લિમોની સરમુખત્યારશાહી છે. ઈરાન અમેરિકા અને ઈઝરાયલને તેના મોટા અને મુખ્ય દુશ્મનો ગણે છે. તે ઈરાની અખાતમાં મહાસત્તા તરીકે ઊભરવા માગે છે. ત્યાં તેનું હરીફ સાઉદી અરેબિયા અમેરિકાનું મિત્ર છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનની જેમ સુન્ની મુસ્લિમ દેશ છે. ઈરાન તેના પ્રોક્સી હૂથી હિજબુલ્લાહ અને હમાસ વડે અમેરિકા અને ઈઝારયલને હંફાવવા માગે છે. તેની તાકાત નથી કે તે આ બે પર સીધા હુમલા કરી શકે.

જો કે તેનું આ બે સાથેનું પ્રોક્સી વોર વધુ ઉગ્ર અને ભીષણ થવાની સંભાવના છે. આમાં સમસ્યા એ પણ છે કે ઈઝરાયલ પણ અમેરિકાના કાબૂમાં રહેતું નથી. તે પેલેસ્ટાઈનને રાષ્ટ્રનો દરજ્જો આપવા તૈયાર જ નથી. અમેરિકામાં આ વર્ષે ઈલેકશન છે અને પ્રમુખ જો બાઈડનની લોપ્રિયતાનો ગ્રાફ નીચે ને નીચે જઈ રહ્યો છે. આવા સંજોગોમાં ઈરાન કે ઈઝરાયલનું કોઈ પણ દુ:સાહસ કે છમકલું વિશ્ર્વને મોટા સંકટમાં નાખી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button