કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ વિશે નિવેદન બહાર પાઠવામાં આવ્યું હતું.
કર્પૂરી ઠાકુરની બુધવારે 100મી જન્મજયંતિ છે તે પહેલા તેમને મરણોપરાંત ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવે તેવું મોદી સરકારે એલાન કર્યું છે. બિહારના સ્થાનિક પક્ષ જનતા દલ યુનાઇટેડ-JDU એ આ માગ કરી હતી. જાહેરાત બાદ JDUએ સરકારનો આભાર માન્યો છે.
કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો, તેણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું છે. ‘મારા પરિવાર અને 15 કરોડ બિહારીઓ તરફથી સરકારનો આભાર’ તેવું રામનાથ ઠાકુરે જણાવ્યું હતું.
કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. પટનામાં વર્ષ 1940માં મેટ્રિક પરીક્ષા પાસ કરીને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા હતા. તેમણે આચાર્ય નરેન્દ્ર દેવના પગલે ચાલવાનું પસંદ કર્યું. એ પછી તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને વર્ષ 1942માં અસહકાર આંદોલનમાં ભાગ લીધો. આ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વર્ષ 1945માં તેઓ જેલમાંથી બહાર આવ્યા અને સમાજવાદી આંદોલનનો એક ચહેરો બની ગયા. તેમનો હેતુ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવાની સાથે સાથે સમાજમાં ફેલાયેલા જાતિવાદને દૂર કરવાનો પણ હતો, જેથી સમાજના વંચિતો, દલિતો અને પછાત સમાજના લોકોને એક સન્માનપૂર્વકની જિંદગી જીવવાનો હક મળે.
કર્પૂરી ઠાકુર 1952માં તાજપુર વિધાનસભા ક્ષેત્રથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ‘જનનાયક’ના નામથી લોકોમાં જાણીતા બન્યા હતા. 1967ની બિહારની ચૂંટણીમાં તેમણે સંયુક્ત સોશ્યાલિસ્ટ પાર્ટીમાંથી ચૂંટણી જીતીને પહેલીવાર બિહારમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવી હતી.
એ સમયે મહામાયા પ્રસાદ સિંહા મુખ્યપ્રધાન બન્યા હતા અને કર્પૂરી ઠાકુર નાયબ મુખ્યપ્રધાન બન્યા હતા. તેમને શિક્ષણખાતું સોંપવામાં આવ્યું હતું જેમાં તેઓ ઘણા સુધારાત્મક પરિવર્તનો લાવ્યા. થોડા વર્ષો બાદ તેઓ બિહારના મુખ્યપ્રધાન પણ બન્યા હતા. 6 મહિનાના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ખેડૂતો માટેના ઘણા હિતકારી નિર્ણયો લીધા હતા. તેમણે ઉર્દૂભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપ્યો હતો.
પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે પછાત વર્ગને 27 ટકા અનામત અપાવી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા તેમના રાજકીય ગુરૂ હતા.
Taboola Feed