મુંબઈ ટાઢુંબોળ: પારો ૧૪.૮ ડિગ્રી મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ ટાઢુંબોળ થઈ ગયું છે. મુંબઈમાં મંગળવારે તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી નોંધાયો હતો. એ સાથે જ મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. તો સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન જળગાંવમાં ૯.૬ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો સતત નીચે ઉતરી રહ્યો છે. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં ઘટાડો જણાઈ રહ્યો છે. દિવસ દરિમયાન ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. મુંબઈમાં પણ મંગળવારની સવાર એકદમ ઠંડી રહી હતી. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ મંગળવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી અને કોલાબામાં ૧૯.૬ ડિગ્રી જેટલો નોંધાયો હતો. મંગળવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મુંબઈમાં આ અગાઉ રવિવાર, ૨૧ જાન્યુઆરીના મુંબઈમાં તાપમાનનો પારો ૧૬.૧ ડિગ્રી નોંધાયો હતો.
રાજ્યના પણ અનેક જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૧૫થી ૯ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. સમગ્ર રાજ્મયાં સૌથી વધુ ઠંડી મધ્ય મહારાષ્ટ્રના જિલ્લાઓમાં નોંધાઈ હતી. જળગાંવમાં ૯.૬ ડિગ્રી, નાશિકમાં ૧૦.૧ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૧.૫ ડિગ્રી, માલેગાર્ંંવમાં ૧૧.૬ ડિગ્રી, અહમદનગરમાં ૧૧.૭ ડિગ્રી અને સતારામાં ૧૨.૦ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
મુંબઈ સહિત રાજ્યમાં શિયાળો બરોબરનો જામ્યો છે ત્યારે હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. આગામી અઠવાડિયા સુધી આવી જ ઠંડક રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી તો મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીની આસપાસ રહેવાન શક્યતા છે.