મનોરંજન

શું અંતિમ વારમાં આર્યા ખુદને જ ખતમ કરી નાખશે? 9 ફેબ્રુઆરીએ મળશે જવાબ

arya-3 Antim Vaar: અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની વેબ સિરીઝ આર્યાની ફાઇનલ સીઝન લઇને દર્શકો સામે હાજર થઇ છે. આ વેબ સિરીઝના શરૂઆતના 4 એપિસોડ રિલીઝ થઇ ગયા છે. આર્યા એક પછી એક પોતાના તમામ દુશ્મનોનો ખાતમો બોલાવતી નજરે પડી રહી છે, પરંતુ બહાદુર આર્યા અંદરથી હતાશ થઇ ગઇ છે, બાળકોની નફરતથી તૂટી ગઇ છે કદાચ આ અવસ્થામાં તે પોતાનો જીવ પણ લઇ લેશે.

આર્યા વેબ સિરીઝના ત્રીજા ભાગમાં જે ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ છે તે પહેલા બંને ભાગોને ટક્કર મારે તેવા છે. આ વખતે આર્યા પોતાના ભૂતકાળને યાદ કરી રહી છે. તે અગણિત લોકોની હત્યા કરે છે, તમામ દુશ્મનોને વારફરતી ખતમ કરી રહી છે, પરંતુ તેની હિંમત પણ ખૂટવા આવી છે.

વેબ સિરીઝના મેકર્સે સીઝન ફિનાલેનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં આર્યા એટલે કે સુષ્મિતા સેન પોતાના માથા પર બંદૂક તાકી રહી છે, તે તેના ભૂતકાળને યાદ કરીને કહી રહી છે કે, “મારી વાર્તાનું દરેક પાનું લોહીથી લખાયેલું છે, પરંતુ મને એ ખ્યાલ નહોતો કે તેનો અંત પણ મારી હત્યાથી થશે.”

ચારેય બાજુ દુશ્મનોથી ઘેરાયેલી આર્યા તેના બાળકો વિના એકલી પડી ગઇ છે. તે તેની જીંદગી ખતમ કરી નાખવા માગે છે. પરંતુ તેનો દોસ્ત દૌલત (સિકંદર) તેને સાચો રસ્તો બતાવે છે. તો હવે શું આર્યા દૌલતની વાત માનીને ફરી એકવાર પોતાના બાળકોનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે કે પછી હતાશ થઇને જીવનનો અંત આણી દેશે? આ સવાલોનો જવાબ મેળવવા માટે આર્યા વેબસિરીઝનો અંતિમ એપિસોડ જોવો રહ્યો. ડિઝની પ્લસ હોટસ્ટાર પર તે 9 ફેબ્રુઆરીથી સ્ટ્રીમ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button