આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડ માટે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દક્ષિણ મુંબઈમાં ઈસ્ટર્ન ફ્રી વે (ઓરેન્જ ગેટ)થી ગ્રાન્ટ રોડ સુધીનો સાડા પાંચ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ રોડ મુંબઈ મહાનગરપાલિકા બનાવી રહી છે. એલિવેટેડ રોડ બાંધકામ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. અનેક ટેક્નિકલ અડચણોને કારણે ટેન્ડર કાઢવામાં વિલંબ થયો હતો. પ્રસ્તાવિત એલિવેટેડ રોડ દક્ષિણ મુંબઈના પી.ડિમેલો રોડ પર આવેલા ઓરેન્જ ગેટ નજીક ચાલુ થશે.

ઈસ્ટર્ન ફ્રી વેથી પ્રસ્તાવિત એલિવેટેડ રોડ ગ્રાન્ટ રોડ સ્ટેશન સુધીનો છે. લગભગ ૫.૫૬ કિલોમીટર લંબાઈના આ અંતર માટે ૩૦થી ૫૦ મિનિટનો સમય લાગે છે. પરંતુ ભવિષ્યમાં આ એલિવેટડ રોડને કારણે આટલું જ અંતર ફક્ત છથી સાત મિનિટમાં પાર કરી શકાશે એવો દાવો પાલિકાનો છે.

આ એલિવેટડ રોડનું કામ સાડા ત્રણ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી ૨૦૨૩માં ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી, જોકે અનેક ટેક્નિકલ અડચણોને કારણે ટેન્ડર બહાર પાડવામાં મુશ્કેલીઓ આવી રહી હતી.
એલિવેટેડ રોડને બાંધવા માટે પાલિકાએ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના ટેન્ડર બહાર પાડ્યા હતા. તેમાં અનેક મોટી કંપનીઓએ રસ દાખવ્યો હતો. બેઠકો દરમિયાન કંપનીઓએ અનેક સૂચનો અને શંકા ઉપસ્થિત કરી હતી. તેથી વારંવાર થઈ રહેલા ફેરફારને કારણે ટેન્ડર પ્રક્રિયા અટવાઈ ગઈ હતી.

પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ એલિવેટેડ રોડ મધ્ય રેલવેના હૅંકૉક પુલ પાસેથી જવાનો હોવાથી રેલવે પાસેથી અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટની હદમાંથી પસાર થવાનો હોવાથી આ બંને એજન્સીઓએ અમુક ફેરફાર સૂચવ્યા હતા. આ બંને એજન્સી પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ લેવાનું આવશ્યક હતું. એ સિવાય ફ્રી વેની બાજુમાં એમએમઆરડીએની ટનલનું કામ પ્રસ્તાવિત હોવાથી ટેક્નિકલ કારણ પણ ઊભા થયા હતા. તમામ ટેક્નિકલ સમસ્યાનો ઉકેલ આવતા આખરે પાલિકાએ એલિવેટેડ રોડના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડ્યા છે.

એલિવેટેડ રોડ પ્રોજેકટ માટે ૬૬૨.૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. કોસ્ટલ રોડને ઈસ્ટર્ન ફ્રી વે સાથે જોડવા માટે આ એલિવેટેડ રોડ મહત્ત્વનો સાબિત થવાનો છે. પ્રોજેક્ટના કામમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે, તેથી પ્રોજેક્ટના ખર્ચામાં પણ વધારો થયો છે. નવા પ્લાન મુજબ હવે ૧,૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.

એલિવેટેડ રોડને કારણે ડૉ.બી.આર. આંબેડકર રોડ, રફી અહમદ કિડવાઈ માર્ગ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ વિસ્તાર, પી.ડિમેલો રોડ, ઈસ્ટર્ન ફ્રી વે રોડ, ગ્રાન્ડ રોડ પરિસર, તાડદેવ અને મુંબઈ સેન્ટ્રલ જેવા વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ ઝડપી થવા માટે આ રોડ મહત્ત્વનો સાબિત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button