મહારાષ્ટ્ર

પીએમ મોદી માટે સંજય રાઉતે આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન

નાશિકઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયા બાદ હવે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ટક્કર શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભાજપ પર નિશાન સાધીને પીએમ મોદી માટે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

નાશિકમાં ઠાકરે જૂથના રાજ્ય સ્તરીય મેળાવડાને સંબોધતા સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આ પ્રસંગે તેમણે નરેન્દ્ર મોદીને રાવણ સાથે અને ઉદ્ધવ ઠાકરેની સરખામણી રામ સાથે કરી હતી.

ઉદ્ધવ ઠાકરે પણ ભગવાન શ્રી રામની જેમ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંના કાર્યક્રમમાં સંજય રાઉતે નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી. ત્યારે એક જ રાવણ હતો. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બધે રાવણ જોવા મળે છે. જ્યાં જશો ત્યાં રાવણ મળશે. એ વાત તમારા મગજમાંથી કાઢી નાખો કે રાવણ અમર હતો એનો પણ અંત આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં રાવણ, મહારાષ્ટ્રમાં રાવણ, નાશિકમાં પણ રાવણ છે એમ કહેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે ના તો રાવણ એ જમાનામાં અજેય હતો કે ન તો આજના જમાનામાં. એ વખતના રાવણને બાલીએ હરાવ્યો હતો, જે એક વાનર જ હતો. રાઉતે કહ્યું હતું કે રામની વાત કરતા હોય તો રાવણની પણ વાત થાય છે. રામનું નામ લો તો રાવણનું નામ પણ આવે છે.

દુશ્મનના મનોબળને સૌથી પહેલા ઓછું કરવાનું છે, ત્યારબાદ પોતાની મેળે નબળા થાય છે. કોણ ભાજપ (ભારતીય જનતા પાર્ટી), કોણ નરેન્દ્ર મોદી, કોણ દેવેન્દ્ર ફડણવીસ, કોણ અજિત પવાર, કોણ એકનાથ શિંદે આ બધા પણ હારશે, એવો તેમણે દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પણ સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમે કહ્યું હતું કે બાબરી મસ્જિદના ગૂંબજ નીચે ભગવાન રામલલ્લાનો જન્મ થયો હતો, તેથી ત્યાં મંદિર બનાવવા માટે મસ્જિદને તોડી હતી. પણ જો મસ્જિદ તોડ્યા પછી ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર મંદિર શા માટે બનાવ્યું હતું?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button