આપણું ગુજરાતનેશનલ

ખેડામાં મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવાના મામલામાં પોલીસકર્મીઓની જેલની સજા પર સુપ્રીમે સ્ટે આપ્યો

નવી દિલ્હી: ગુજરાતના ખેડામાં મુસ્લિમ પુરુષોને જાહેરમાં ફટકારવાના કેસમાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મીઓને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે 14 દિવસની જેલની સજા સંભળાવી હતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.

ખેડા જીલ્લાના ઉંઢેલા ગામમાં વર્ષ 2022માં નવરાત્રી દરમિયાન પથ્થરમારો થયો હતો. આ મામલામાં શંકાસ્પદ મુસ્લિમ સમુદાયના પાંચ યુવકોને પોલીસે થાંભલા સાથે બાંધીને ડંડા વડે ફટકાર્યા હતા. કસ્ટોડિયલ ટોર્ચર અંગે ડીકે બાસુની ગાઈડલાઈન્સના ઉલ્લંઘનનો આરોપ લગાવતા પીડિતોએ કોર્ટનો સંપર્ક કર્યો હતો, હાઈકોર્ટે પોલીસ પર કોર્ટની અવમાનનાનો આરોપ મૂક્યો હતો.

હાઈકોર્ટે ચાર પોલીસ અધિકારીઓને 14 દિવસની સજા ફટકારી હતી. તમામ આરોપી પોલીસકર્મીઓને 2000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જો દંડ ના ભરે તો 6 મહિના સુધીની સજા થશે તેમ જણાવાયું હતું. ચુકાદાને પડકારવા માટે ત્રણ મહિના માટે સજાની અમલવારી પર રોક લગાવવા હાઈકોર્ટ સંમત થઇ હતી. ત્યાર બાદ દોષિત પોલીસ અધિકારીઓએ સુપ્રીમકોર્ટનો સંપર્ક કર્યો હતો.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે આજે વૈધાનિક અપીલ સ્વીકારી હતી. જસ્ટિસ મહેતાએ કહ્યું, “આવો અત્યાચાર, અને પછી તમે આ કોર્ટ પાસે શું અપેક્ષા રાખશો… લોકોને થાંભલા સાથે બાંધીને, જાહેરમાં માર મારશો?.”

જસ્ટિસ ગવઈએ પૂછ્યું “તમારી પાસે લોકોને થાંભલા સાથે બાંધીને મારવાની કાયદા હેઠળ સત્તા છે?”
જોકે આખરે સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકારી હતી અને હાઈકોર્ટ સમક્ષ અવમાનનાની કાર્યવાહી પર રોક લગાવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button