મહારાષ્ટ્ર

જય શ્રી રામઃ મહારાષ્ટ્રના શહેરમાં 33,000થી વધુ દીવડા પ્રગટાવી નોંધાવ્યો રેકોર્ડ

ચંદ્રપુર: અયોધ્યામાં ગઇકાલે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો ઉત્સાહ આખા દેશમાં જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવા વન પ્રધાન સુધીર મુનગંટીવારની પહેલ હેઠળ 33,315 દિવડાં પ્રજ્જવલિત કરીને ‘સિયાવર રામચંદ્ર કી જય’ એવું લખીને વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. માત્ર 30 મિનિટમાં 33,315 દિવા પ્રગટાવવાના આ રેકોર્ડની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરવામાં આવી હતી.

ચંદ્રપુરમાં આ કાર્યક્રમનું શ્યામા પ્રસાદ મુખર્જી લાઇબ્રેરી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રપુરમાં આવેલા ચંદા ક્લબ ગ્રાઉન્ડ ખાતે 33,000 કરતાં પણ વધુ દીપ પ્રજ્વલિત કરી ‘સિયાવર રામચંદ્ર કી જય’ એવું લખી રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.


આ રેકોર્ડ બનાવવા અંગે ટ્રસ્ટના એક અધિકારીએ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં પહેલો દીવો વાલ્મિકી સમાજે, બીજી દીવો કેવટ સમાજની દીકરી અને ત્રીજો દીવો એક મુસ્લિમ રામભક્ત (ચાંદભાઈ)એ પ્રગટાવ્યો હતો. આમ અલગ અલગ સમાજના મહાનુભાવોએ કુલ સાત દિવડાં પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી.


રામ જ્યોતિના કાર્યક્રમ દરમિયાન હજારો રામ ભક્તો પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઈને દીવા પ્રગટાવ્યાં હતાં તેમ જ રામના નામની ગૂંજ અને દીવાને પ્રકાશથી મેદાન ભક્તિમય બનવાની સાથે હાજર રહેલા લોકો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના વન પ્રધાન સુધીર મુનગંટીવાર પણ હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું હતું કે ચંદ્રપુરના નાગરિકોએ રામ જ્યોત પ્રગટાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button