ચીનના શિનજિયાંગમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ: 1400 કિમી દૂર દિલ્હી-NCR સુધી ભૂકંપના આંચકા અનુભવાયા….
શિનજિયાંગ: 22 જાન્યુઆરીના રોજ રાત્રે 11.39ના સુમારે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિમી અંદર આવેલું હતું. ભૂકંપના આ આંચકા એટલા જોરદાર હતા કે ઘણા વિસ્તારોમાં લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા.
ચીનની ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઘણા લોકો પણ ઘાયલ થયા હતા. તેમજ ભૂકંપના કારણે 120 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ભૂકંપ બાદ 40 આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. ભૂકંપની સૌથી વધુ અસર ઉરુમકી, કોર્લા, કાશગર, યિનિંગમાં અનુભવાઈ હતી. ચીનના શિનજિયાંગ રેલવે વિભાગે જણાવ્યું હતું કે તેમને 27 ટ્રેનોને અટકાવવી પડી હતી.
આ ઉપરાંત ઘણા સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે 200 બચાવકર્મીઓની ટીમો મોકલવામાં આવી હતી.
ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને ભૂસ્તરશાસ્ત્રીઓએ દેશના ભાગોને સિસ્મિક ઝોનમાં વહેંચ્યા છે. સૌથી ઓછો ખતરો ઝોન 2માં છે અને સૌથી મોટો ખતરો ઝોન 5માં છે. દિલ્હી ઝોન4 માં છે, અહીં રિક્ટર સ્કેલ પર 6 થી વધુ તીવ્રતાનો ભૂકંપ ભારે તબાહી સર્જી શકે છે. ઝોન 4માં મુંબઈ, દિલ્હી જેવા શહેરો છે. આ સિવાય તેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પશ્ચિમ ગુજરાત, ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારો અને બિહાર-નેપાળ સરહદી વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં સતત ભૂકંપનો ડર રહેતો હોય છે.
ત્યારે ચીનમાં આવેલા ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. 1400 કિલોમીટર દૂર દિલ્હી-NCRમાં લોકોએ લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.