નેશનલ

રામના દર્શનની પ્રતીક્ષા પૂરી થઇ: મોદી

પૂજા-પ્રાર્થના:

અયોધ્યાના રામમંદિરમાં રામલલાની દિવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે મંત્રોચ્ચાર વચ્ચે પૂજા-પ્રાર્થના કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ)

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની લાંબી પ્રતીક્ષા પછી આપણા રામનું આગમન થયું છે. ભગવાન રામ હવે તંબુમાં નહીં રહે પરંતુ હવે ભવ્ય મંદિરમાં નિવાસ કરશે. લોકો આજથી હજારો વર્ષ પછી પણ આ તારીખ, આ ક્ષણ યાદ રાખશે. આ એક નવા યુગનું આગમન છે. રામ મંદિરના ગર્ભગૃહની અંદર અભિષેક સમારોહ દરમિયાન તેમણે અનુભવેલા દૈવી સ્પંદનો તેઓ હજુ પણ અનુભવી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે રામના પરમ આશીર્વાદ છે કે આપણે આ પ્રસંગના સાક્ષી બન્યા છીએ. હું ભગવાન રામ પાસે ક્ષમા માગું છું, અમારી તપસ્યામાં એવી કોઈ ખામી રહી હશે કે અમે આટલા લાંબા સમય સુધી આ કાર્ય પૂર્ણ ન કરી શક્યા. તે ખામી હવે દૂર થઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ અમને માફ કરશે. સદીઓની રાહ, ધીરજ, બલિદાન પછી આજે આપણા રામ આવ્યા છે.
મોદીએ કહ્યું કે દેશના બંધારણની પ્રથમ નકલમાં ભગવાન રામનો વાસ છે. બંધારણ અસ્તિત્વમાં આવ્યા પછી પણ ભગવાન રામના અસ્તિત્વને લઈને દાયકાઓ સુધી કાનૂની જંગ લડાઈ. હું ન્યાયતંત્રનો આભાર માનું છું જેણે ન્યાય આપ્યો અને ભગવાન રામનું મંદિર કાયદાકીય રીતે બનાવવામાં આવ્યું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સોમવારે અયોધ્યાનાં રામ મંદિરમાં નવી રામલલા મૂર્તિની `પ્રાણ પ્રતિષ્ઠા’ કરવામાં આવી હતી અને લાખો લોકોએ એનું પ્રસારણ ટેલિવિઝન પર, મોબાઇલ પર અને દેશભરના મંદિરોમાં જોયું હતું.

મોદીએ 11 દિવસ
બાદ પારણાં કર્ર્યાં
અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાયેલા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઇને 12 જાન્યુઆરીથી 11 દિવસીય વિશેષ ઉપવાસ શરૂ કર્યો હતો. આ ઉપવાસ મોદીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ છોડ્યો હતો.
વડા પ્રધાને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવત અને હજારો મહેમાનોની હાજરીમાં ઉપવાસ સમાપ્ત કર્યો હતો. 11 દિવસની ધાર્મિક વિધિના ભાગ રૂપે વડા પ્રધાન મોદીએ માત્ર નારિયેળ પાણી પીધું હતું. આ દરમિયાન મોદીએ અનુષ્ઠાન સાથે જોડાયેલા કેટલાક કડક નિયમોનું પાલન પણ કર્યું હતું. વડા પ્રધાન મોદીએ 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાસિક ધામ,પંચવટીથી ધાર્મિક વિધિઓની શરૂઆત કરી હતી, જ્યાં ભગવાન રામે તેમના વનવાસનો નોંધપાત્ર સમય ગાળ્યો હોવાનું માનવામાં આવે છે. નાસિકના કાળારામ મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે શ્રીરામ કુંડમાં પૂજા કરી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button