નેશનલ

પ્રભુ રામચંદ્રના `વનવાસ’નો અંત

અયોધ્યા: રામનગરીના દિવ્ય, ભવ્ય, અલૌકિક રામમંદિરમાં સોમવારે બપોરે 12.15 થી 12.45 વાગ્યા દરમિયાન રામલલા (પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપ)ની પ્રાણપ્રતિષ્ઠા કરાતા દુનિયાભરના હિંદુઓનું અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરી તેમાં રઘુનંદનની મૂર્તિ સ્થાપવાનું પાંચસો વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થયું હતું. ભગવાન રામચંદ્રે વનવાસ' પૂરો કરી ફરી ગૃહપ્રવેશ કર્યો હોય એવો માહોલ દેશભરમાં ઊભો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંદિરના ગર્ભગૃહમાં પૂજા અને અન્ય ધાર્મિક વિધિ કરી હતી. મંદિર પર હૅલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઇ હતી. પ્રાણપ્રતિષ્ઠા વખતે મહારાષ્ટ્રના અમરાવતીથી લવાયેલું પાંચસો કિલોગ્રામ કુમકુમ વપરાયું હતું. ગુજરાતની ભગવા સેના ભારતી ગરવી અને સંત સેવા સંસ્થાએ તૈયાર કરેલો મહાપ્રસાદ અને મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરથી લવાયેલા પાંચ લાખ લાડુ વહેંચાયા હતા. અયોધ્યાનાં મંદિરો અને સરયૂ નદીના ઘાટ પર અંદાજે દસ લાખ દીવા પ્રગટાવાયા હતા. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશભરના પચાસ વાદ્યોએ સંગીતના સૂર રેલાવ્યા હતા અને લોકનૃત્યો કરાયા હતા. રામમંદિરના આ કાર્યક્રમમાં સાધુસંતો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, અભિનેતા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સહિત ફિલ્મ ઉદ્યોગના કલાકારો, સ્પોર્ટ્સના અગ્રણી ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અયોધ્યાનું રામમંદિર 57,400 ચોરસ ફૂટ ક્ષેત્રમાં પથરાયેલું છે. તેની લંબાઇ 360 ફૂટ, પહોળાઇ 235 ફૂટ અને ઊંચાઇ 160 ફૂટ છે. તેના કુલ ત્રણ સ્તર છે અને તે દરેક 20 ફૂટ ઊંચું છે. મંદિરમાં ભવ્ય શિખર ઉપરાંત પાંચ મંડપ છે. કર્ણાટકના શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી રામલલાની મૂર્તિને રામમંદિરમાં સ્થાપવા માટે પસંદ કરાઇ હતી. શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણ શિલામાંથી તૈયાર કરાયેલી મૂર્તિને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરાઇ હતી. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિરીક્ષણ હેઠળ અયોધ્યાના આ મંદિરનું નિર્માણ કરાયું હતું અને આ ટ્રસ્ટ દ્વારા મંદિરનો કારભાર સંભાળાશે. સોમવારનો દિવસ એક રાષ્ટ્રીય તહેવાર જેવો બની ગયો હતો. દેશવિદેશમાં સોમવારે દિવાળીની જેમ ઘેર ઘેર દીપોત્સવ મનાવાયો હતો, મંદિરોમાં રામધૂન ગવાઇ હતી, ભજન-કીર્તન કરાયા હતા, ઠેર ઠેર ભગવાન રામચંદ્રની રથયાત્રા નીકળી હતી, મીઠાઇ-પ્રસાદ વહેંચાઇ હતી. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય તહેવાર જેવું હર્ષોલ્લાસનું વાતાવરણ ફેલાયું હતું, રામનગરીને શણગારાઇ હતી અને ઠેર ઠેર રંગોળી કરાઇ હતી. અનેક ટીવી ચેનલ દ્વારા અયોધ્યાના આ કાર્યક્રમનું સીધું પ્રસારણ કરાયું હતું અને દેશભરમાં ઘણી જગ્યાએ જાહેરમાં મોટા પડદા પર આ કાર્યક્રમ દર્શાવાયો હતો. પાંચસો વર્ષનો સંઘર્ષ, અનેક લોકોના બલિદાન, કારસેવા, સર્વોચ્ચ અદાલતમાંના લાંબા કાનૂની જંગ બાદ આ રામમંદિરનું નિર્માણ થયું હોવાથી દેશવિદેશમાં લોકો સોમવારના કાર્યક્રમની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. દેશવિદેશથી લાખો રામભક્તો અયોધ્યા આવ્યા હતા અને આગામી થોડા મહિના દરમિયાન રામનગરીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવવાની આશા છે. રામમંદિર માટે દેશવિદેશથી ઘંટ, અગરબત્તી, સુગંધી ચોખા, આભૂષણો, અત્તર, પ્રસાદ સહિતની વિવિધ ભેટ અયોધ્યા પહોંચાડવામાં આવી હતી. મોદીએ 84 સેક્નડનાઅભિજિત મુહૂર્ત’ દરમિયાન `પ્રાણપ્રતિષ્ઠા’ સાથે મંદિરમાં શ્રેણીબદ્ધ ધાર્મિક વિધિઓ કરી હતી. વિધિના અંતે વડા પ્રધાને મૂર્તિ સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા.
મોદીએ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિ દ્વારા આપવામાં આવેલ “ચરણામૃત” સ્વીકારીને સમારોહ પહેલા શરૂ કરેલા 11 દિવસના ઉપવાસનાં પારણા કર્યા હતા. ત્યારબાદ એમણે લગભગ 8,000 લોકોની સભાને સંબોધવા માટે અન્ય સ્થાને ગયા હતા, જેમાં દૃષ્ટા, રામ જન્મભૂમિ ચળવળ સાથે જોડાયેલા લોકો અને મનોરંજન, રમતગમત અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોની હસ્તીઓનો સમાવેશ થાય છે. આર્મીના હેલિકોપ્ટરોએ નવનિર્મિત રામ મંદિર પર ફૂલની પાંખડીઓ વરસાવી હતી.
રામમંદિરને લીધે ઉત્તર પ્રદેશ, ખાસ કરીને અયોધ્યામાં પર્યટનને ભારે પ્રોત્સાહન મળશે અને મોટા પાયે રોજગારી ઊભી થશે. અહીં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી બધી હોટેલ રામભક્તોથી ભરાઇ ગઇ હતી.
અયોધ્યામાં દીવાલો અને દુકાનોના શટર પર પણ હિંદુ ધર્મના થીમ પર આધારિત ચિત્રો દોરાયાં છે અને રંગરોગાન કરાયું છે. અનેક સ્થળે ફૂલોના હાર લગાડાયા છે.
દેશ-વિદેશની ટીવી ચેનલ પર રામમંદિરમાંના પ્રાણપ્રતિષ્ઠાન કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. મોદીએ તાજેતરમાં જ અયોધ્યાના વિમાનમથક અને રેલવે સ્ટેશનના નવા સ્વરૂપનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાકલને પગલે 14થી 22 જાન્યુઆરી સુધી દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. (એજન્સી)

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker