આમચી મુંબઈ

અટલ સેતુ પર પહેલો અકસ્માત

કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઊંધી વળી: પાંચ ઘાયલ

નવી મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) ખુલ્યાના અઠવાડિયા બાદ રવિવારે બપોરે 22 કિ.મી. લાંબા દરિયાઇ બ્રિજ પર પ્રથમ અકસ્માત નોંધાયો હતો, જેમાં મુંબઈ તરફ આવી રહેલી મારુતિ ઇંગીસ કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઊંધી વળી ગઇ હતી. કારમાં હાજર ત્રણ બાળક અને બે મહિલાને અકસ્માતમાં નજીવી ઇજા પહોંચી હતી. પનવેલની રહેવાસી ઝારા સાકીર (32) કાર હંકારી રહી હતી.
મારુતિ ઇંગીસની પાછળ આવી રહેલી કારમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં પુરપાટ વેગે જઇ રહેલી મારુતિ ઇંગીસ ડાબી તરફથી ઓવરટેક કરતી અને વળાંક અગાઉ ડિવાઇડર સાથે ટકરાયા બાદ ઊંધી વળતી નજરે પડે છે. ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાર બે વાર પલટી ખાવા છતાં તેમાં હાજર પરિવારને નજીવી ઇજા પહોંચી હતી.
ન્હાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધુમાળે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘવાયેલા લોકોને તબીબી તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ પ્રકરણે કાર હંકારી રહેલી ઝારા સાકીર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.ન્વાહા શેવા ટ્રાફિક યુનિટના ઇન્સ્પેક્ટર ગુલફરોઝ મુજાવરે જણાવ્યું હતું કે અકસ્માતને કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થયો નહોતો. કારને ક્રેનની મદદથી માર્ગ પરથી હટાવવામાં આવી હતી અને કાર હવે ન્હાવા શેવા પોલીસ સ્ટેશન ખાતે છે. અકસ્માતમાં સદનસીબે કોઇને ગંભીર ઇજા પહોંચી નહોતી. લોકોએ બ્રિજ પર વધુ સાવચેત રહેવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button