આમચી મુંબઈ

સુધરાઈનું ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બજેટ

પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરામાં કોઈ વધારો થશે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ 2024-25નું બજેટ ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં લોકસભા સહિત વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી આ બજેટ ચૂંટણીલક્ષી રહેશે. એટલે કે બજેટમાં કોઈ પણ પકારના કરવધારા કરવામાં આવશે નહીં એવું માનવામાં આવે છે.બજેટમાં મુંબઈના વિકાસમાં મહત્ત્વના સાબિત થનારા ગોરેગામ-મુલુંડ લિંક રોડ, વર્સોવા-દહિસર સી લિંક, દહિસર-ભાયંદર એલિવેટેડ રોડ, દરિયાના ખારા પાણીની મીઠા બનાવવા જેવા મહત્ત્વના પ્રોજેક્ટ સહિત બાકી રહેલા પ્રોજેક્ટ પર ભાર આપવામાં આવે એવી શક્યતા છે.
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈનું ગયા આર્થિક વર્ષમાં 52,619.7 કરોડ રૂપિયાની વિક્રમી બજેટ હતું. આ બજેટમાં
15.52 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષના બજેટમાં પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાગરિકો પર કોઈ પણ પ્રકારનો કરવધારાનો બોજો નાખવામાં આવ્યો નહોતો. હવે આ વર્ષે પણ આગામી સમયમાં લોકસભા, વિધાનસભા અને બાદમાં મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે, તેથી તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના કરવધારો કરવામાં આવે એવી શક્યતા ન હોવાનું પાલિકાના અધિકારીઓનું માનવું છે.
બજેટમાં શિક્ષણની સાથે જ આરોગ્ય ક્ષેત્ર માટે મોટી જોગવાઈ કરવામાં આવે એવી શક્યતા છે. એ સિવાય ખાડામાં ગયેલા બેસ્ટ ઉપક્રમને પણ આર્થિક મદદ કરવામાં આવે એવી શક્યતા છે. બેસ્ટ ઉપક્રમે પાલિકા પાસે 3,000 હજાર કરોડ રૂપિયાની માગણી કરી છે. બેસ્ટનું નુકસાન ઓછું કરવા અને બેસ્ટને નફામાં લાવવા માટે જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવવાની છે, તે માટે પાલિકા પાસેથી આર્થિક મદદની અપેક્ષા બેસ્ટ ઉપક્રમ રાખી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button