આમચી મુંબઈ

મીરા રોડમાં સરઘસ વખતે બે જૂથ વચ્ચે અથડામણ

`જય શ્રીરામ’ના ધ્વજ સાથેનાં વાહનોની ટોળાએ કરી તોડફોડ: 13 પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં નવા રામમંદિરમાં રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં વાહનોના સરઘસ વખતે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સરઘસમાં ભાગ લેનારા લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો અને `જય શ્રી રામ’ ધ્વજ સાથેનાં વાહનોની તોડફોડ પણ કરી હતી. પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. નયાનગર પોલીસે આ પ્રકરણે હત્યાનો પ્રયાસ અને દંગલનો ગુનો દાખલ કરીને 13 જણને ઝડપી પાડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
મીરા રોડના નયાનગરમાં રવિવારે રાતે 10.30 વાગ્યે ત્રણ કારમાં 10થી 12 લોકો અને અનેક મોટરસાઇકલ પર સવાર લોકોએ સરઘસ કાઢ્યું હતું અને સોમવારે અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહ પ્રસંગે તથા ભગવાન રામની સ્તુતિમાં તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સૂત્રોચ્ચાર કરતી વખતે અમુક લોકોએ કથિત રીતે ફટાકડા ફોડ્યા હતા, જેને લઇ સ્થાનિક લોકોનુંં ટોળું લાઠીઓ લઇને બહાર આવ્યું હતું અને સરઘસમાં સહભાગી લોકો સાથે દલીલ કરી હતી અને પથ્થરમારો કરી તથા સળિયાથી તેમનાં વાહનોની તોડફોડ કરી હતી. વાહનો પર જઇ રહેલા લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. આમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે અન્યોને નજીવી ઇજા થઇ હતી.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે દરમિયાનગીરી કરતાં હુમલાખોરો વિખેરાઇ ગયા હતા. આ ઘટના બાદ એ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રાયટ ક્નટ્રોલ ફોર્સની પ્લાટૂનને પણ ત્યાં તહેનાત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને આધારે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો અને પોલીસે 13 જણને ઝડપી પાડ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

નાગપુરમાં પણ તંગદિલી
નાગપુર: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી માટે નીકળેલી રેલીમાં સામેલ થયેલા રામભક્તની મોટરસાઇકલ એક પાદચારીને ઘસાઇને જતાં આ બાબતને લઇ બે સમુદાયના સભ્યો વચ્ચે વિવાદ થયો હતો, જેને કારણે નાગપુરના સેન્ટ્રલ એવન્યુ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું. તહેસીલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પાદચારીના ચારથી પાંચ મિત્ર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે મોટરસાઇકલસવારની મારપીટ કરી હતી, જેણે કારણે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. આ બનાવ બાદ પોલીસ તથા ક્વિક રિસ્પોન્સ ટીમે ઘટનાસ્થળે જઇને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. (પીટીઆઇ)ઉ

સહન કરવામાં આવશે નહીં: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં રામ લલાની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તો પર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે આક્રમક વલણ અપનાવતા રાજ્યના ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની પ્રવૃત્તિઓ
રાજ્યમાં સહન કરવામાં આવશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે હવે રામ આવી ગયા છે. તેઓ હવે ઝુંપડીમાં રહેશે નહીં, ભવ્ય મંદિરમાં નિવાસ કરશે.
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ રામભક્તો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. કેટલાક સમાજ વિરોધી તત્વોએ આ રેલી પર હુમલો કરીને કાર અને વાહનોની તોડફોડ કરી હતી અને લોકોને જખમી કર્યા હતા.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે પોલીસ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહી છે. મીરા રોડના નયાનગર વિસ્તારમાં રવિવારે રાતે ભનેલા બનાવની માહિતી રાતે જ લીધી હતી. સોમવારે સવારે 3.30 વાગ્યા સુધી હું પોલીસ કમિશનરના સતત સંપર્કમાં હતો. આરોપી પર કઠોર કાર્યવાહીનો નિર્દેશ પોલીસને આપવામાં આવ્યો છે, એમ ફડણવીસે કહ્યું હતું.
અત્યાર સુધીમાં 13 લોકોને તાબામાં લેવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને ઓળખવાની પ્રક્રિયા આદરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કોઈ કરતા હશે તો તે સહન કરવામાં આવશે નહીં, એવી ચેતવણી ફડણવીસે આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button