બીસીસીઆઇ એક પીઢ અને એક યુવા ખેલાડીને અવૉર્ડથી સન્માનિત કરશે
હૈદરાબાદ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સમયાંતરે પ્રતિભા સંપન્ન અને ટૅલન્ટેડ ખેલાડીનું બહુમાન કરે છે અને એમાં આ વખતે એવા બે પ્લેયરનો વારો છે જેમાંના એક ખેલાડીએ ઇન્ટરનૅશનલ લેવલ પર રમીને દેશનું નામ રોશન કરવાની સાથે કૉમેન્ટરી-બૉક્સમાં બેસીને કરોડો ક્રિકેટપ્રેમીઓ સુધી પોતાનું ક્રિકેટ-જ્ઞાન પહોંચાડ્યું છે. ભૂતપૂર્વ ઑલરાઉન્ડર રવિ શાસ્ત્રીને બોર્ડ મંગળવારે હૈદરાબાદમાં ‘લાઇફટાઇમ અવૉર્ડ’થી સન્માનિત કરશે, જ્યારે એ જ સમારોહમાં યુવા ખેલાડી શુભમન ગિલની ક્રિકેટર ઑફ ધ યરના પુરસ્કારથી નવાજેશ કરશે. ગિલના છેલ્લા 12 મહિના યાદગાર હતા.
એમાં તે વન-ડે ક્રિકેટમાં 2000 રનના આંક સુધી પહોંચનારો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો હતો તેમ જ એ ફૉર્મેટમાં તેણે પાંચ સેન્ચુરી પણ ફટકારી હતી.
બીસીસીઆઇની આ અવૉર્ડ-નાઇટ 2019 પછી પહેલી વાર યોજાઈ રહી છે. આ સમારંભમાં ભારત અને ઇંગ્લૅન્ડના કેટલાક ખેલાડીઓ હાજર રહેશે એવી સંભાવના છે. ગુરુવાર, પચીસમી જાન્યુઆરીએ બંને દેશ વચ્ચે આ જ શહેરમાં પ્રથમ ટેસ્ટ શરૂ થવાની છે.
રવિ શાસ્ત્રી ભારત વતી 80 ટેસ્ટ અને 150 વન-ડે રમ્યા હતા. 1985માં રવિ શાસ્ત્રી ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ ક્રિકેટમાં ચૅમ્પિયન ઑફ ચૅમ્પિયન્સનો પુરસ્કાર જીત્યા હતા જેમાં તેમને આઉડી કાર ભેટ મળી હતી.