એકસ્ટ્રા અફેર

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા, જરા યાદ ઉન્હેં ભી કર લો…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર બનેલા મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ એવા ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પાર પડી ગયો. સોમવારે બપોરે 12 વાગ્યાથી અયોધ્યામાં શરૂ થયેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમે આખા દેશને રામમય કરી દીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11:20 વાગ્યે રામ મંદિર પરિસરમાં પહોંચ્યા અને બપોરે 12:05થી 12:55 સુધી પ્રાણપ્રતિષ્ઠા સમારોહની વિધિ પૂર્ણ કરીને ભગવાન રામલલાની આંખે બાંધેલી પટ્ટીઓ છોડી અને આંખમાં કાજળ લગાવ્યું એ સાથે જ રામમંદિરનું લોકાર્પણ થઈ ગયું.
કરોડો હિંદુઓના શ્રદ્ધેય ભગવાન રામનાં દર્શન માટે મંદિર ખુલ્લું મૂકાયા પછી સામાન્ય લોકો પણ દર્શન કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તેની જાહેરાત કરશે પણ એ માટેની ધાર્મિક વિધિ અને ઔપચારિકતા પૂરાં થઈ જતાં હવે રામમંદિર દેશનું થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર હિંદુઓને સોંપાયું એ સાથે એક લાંબી લડતનો મહત્ત્વનો પડાવ આવી ગયો છે.
શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમે દેશને રામમય બનાવી દીધો. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને અનુલક્ષીને સરકારી કચેરીઓ, બૅન્કો, સ્કૂલો વગેરેમાં રજા જાહેર કરી જ દેવાયેલી તેથી સવારે ઓફિસોમાં પહોંચવાની દોડધામ નહોતી. સામાન્ય લોકોએ સ્વયંભૂ બીજું બંધ રાખી દીધેલું તેથી આખા દેશમાં સોમવારે સવારે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જ થઈ ગયેલો. દસેક વાગ્યાની આસપાસ લોકો ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી પણ પછી પાછા પ્રાણપ્રતિષ્ઠાના મહાન અવસરના સાક્ષી બનવા ટીવી સામે ગોઠવાઈ ગયેલા તેથી પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલ્યો ત્યાં સુધી આખા દેશમાં સ્વયંભૂ કરફ્યું જેવો જ માહોલ હતો.
પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પછી લોકો બહાર નીકળ્યાં. પ્રસાદ વહેંચાયા, શોભાયાત્રાઓ નીકળી, ભગવાન રામના નામના જયજયકાર થયા ને મોડી રાત સુધી આ ભક્તિમય માહોલ રહ્યો. સાંજે મંદિરોમાં મહાઆરતી, મહાપ્રસાદ અને રામધૂનના કારણે અનોખો માહોલ સર્જાઈ ગયો.
ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમે 1980ના દાયકાના રામમંદિર ચળવળના દિવસોની યાદ અપાવી દીધી. એ વખતે આજના કરતાં અલગ માહોલ હતો કેમ કે પહેલીવાર હિંદુત્વની પ્રચંડ લહેર ઊભી થયેલી. ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા 1989માં શિલાપૂજનનો કાર્યક્રમ શરૂ કરાયો ત્યારે અભૂતપૂર્વ માહોલ સર્જાયેલો. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટેની ઈંટોની વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો હિંદુઓના ઘરે ઘરે જઈને પૂજા કરાવતા હતા ત્યારે લોકો રામમય થઈ જતા.
ગામેગામ વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા કરાયેલા શિલાપૂજનના કાર્યક્રમે રામમંદિરના નિર્માણ વિશે જબરદસ્ત જાગૃતિ ઊભી કરી અને હિંદુઓમાં એક આત્મગૌરવની લાગણી પણ ઊભી કરી. ભગવાન શ્રી રામની જન્મભૂમિ પરના મંદિરને તોડીને બનાવાયેલા મંદિરને તોડીને બાબરી મસ્જિદ ઊભી કરાઈ એ વાત લોકો જાણતાં હતાં પણ તેની સામે જનાક્રોશ નહોતો અથવા હતો તો બહાર નહોતો આવ્યો. વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળે એ જનાક્રોશને બહાર લાવીને તેને પ્રચંડ આંદોલનમાં ફેરવવાનું કામ કરેલું. હિંદુ યુવકોને સ્વયંભૂ જ રામમંદિરની ચળવળમાં જોડાવા માટે પ્રેર્યા હતા.
બાબરી મસ્જિદ છ ડિસેમ્બર, 1992ના રોજ ધ્વંશ કરાઈ એ આ પ્રચંડ લહેરનું પરિણામ હતું. બાબરી મસ્જિદ ધ્વંશના કારણે જ વાસ્તવમાં રામમંદિરની જમીન હિંદુઓને મળવાનો પાયો નંખાયો. બાકી બાબરી મસ્જિદ ઊભી હોત તો કોર્ટ પણ આ કેસને લંબાવ્યા કરતી હોત. હિંદુઓના આક્રોશના કારણે મસ્જિદ તૂટી ગઈ તેથી મુસ્લિમોએ દાવો કરવા જેવું કશું ના રહ્યું ને મસ્જિદ તોડવાની સમસ્યા પણ સમાપ્ત થઈ ગઈ, બાકી સરકાર કદાચ મસ્જિદને તોડી ના શકી હોત. એ સંજોગોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથમાં આખી મસ્જિદને ખસેડી એ પ્રકારનો વિકલ્પ અપનાવવો પડ્યો હોત. ખેર, જે નથી તેની વાત કરવાનો મતલબ નથી કેમ કે અત્યારે તો વાસ્તવિકતા એ જ છે કે, રામ જન્મભૂમિ મંદિર બની ગયું છે અને હિંદુઓ પોતાની આસ્થા વ્યક્ત કરી શકે છે.
ભગવાન શ્રી રામના મંદિરને વાસ્તવિકતા બનાવવા માટે હજારો લોકોએ બલિદાન આપ્યાં છે અને કરોડો લોકોએ આંદોલનમાં ભાગ લીધો હતો. કમનસીબે આજે એ પૈકીના મોટા ભાગના લોકો ભૂલાઈ ગયા ને કોઈએ તેમને યાદ પણ ના કર્યા. હિંદુ સમાજ પોતાના નાયકોને યાદ નથી રાખતો પણ સત્તામાં હોય તેને સલામ મારે છે એવું કહેવાય છે ને એ અત્યારે જોવા મળ્યું. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ મંદિર માટે લડનારા સામાન્ય લોકોના બદલે સેલિબ્રિટીનો જલસો બની ગયો.
પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ વ્યક્તિગત બની ગયો. જે લોકોને રામમંદિર ચળવળ સાથે કંઈ લેવાદેવા નહોતી એવાં લોકોને નિમંત્રણ અપાયાં એવો કચવાટ છે. મોટાભાગના લોકો તો એવા છે કે જે રામમંદિરની ચળવળ ચાલતી હતી ત્યારે આ ચળવળના સમર્થનમાં એક શબ્દ બોલવા તૈયાર નહોતા. દેશમાં રાજકીય રીતે હિંદુત્વનો માહોલ પેદા થયો પછી છેલ્લા એક દાયકામાં ચાલુ ગાડીએ બેસી ગયેલા લોકોને આ મહાન કાર્યક્રમનાં નિમંત્રણ મળ્યા જ્યારે ખરેખર રામમંદિરની ચળવળ માટે જીવ આપનારા ભૂલાઈ ગયા.
અમિતાભ બચ્ચનથી માંડીને ચિરંજીવી સુધીની સેલિબ્રિટી રામમંદિર ચળવળ વખતે પણ દેશનાં ટોચનાં લોકોમાં સ્થાન પામતી હતી પણ કદી તેમણે રામમંદિરની ચળવળમાં ભાગ લેવાની વાત તો છોડો પણ તેને ટેકો સુદ્ધાં નહોતો આપ્યો. ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા સહિતના સેક્યુલર નેતાઓ તો રામમંદિરનો ઉગ્રતાથી વિરોધ કરતા હતા પણ આ બધા અચાનક રામભક્ત બનીને પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર થઈ ગયા, આગળની ખુરશીઓમાં ગોઠવાઈ ગયા. તેની સામે કોલકાતાના કોઠારી બ્રધર્સથી માંડીને સાબરમતી એક્સપ્રેસમાં મરાયેલા 58 કારસેવકો સહિતના લોકોએ રામમંદિર માટે પોતાના જીવ આપી દીધેલા. ભગવાન રામના મંદિરના પાયા એ લોકોએ પોતાનું લોહી સિંચીને નાખ્યા છે પણ કમનસીબે કોઈએ તેમના નામનો ઉલ્લેખ સુદ્ધાં ના કર્યો.
ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે હિંદુઓએ એ લોકોને પણ યાદ કરી લેવા જોઈએ. તેમનાં બલિદાનના કારણે તેમના પરિવારોને પડેલી તકલીફોને પણ યાદ કરવી જોઈએ ને તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ. તેમના પરિવારે આપેલા ભોગનો અહેસાન માનવો જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત