અયોધ્યાથી 1000 કિમી દૂર વધુ એક Ram Mandirનું આજે થયું ઉદ્ઘાટન, જુઓ તસવીર
આજે રામનગરી Ayodhyaમાં તો Ram Mandirનું ઉદ્ઘાટન થયું જ છે, પરંતુ અયોધ્યાથી 1000 કિલોમીટરથી પણ વધુ દૂર એવી એક જગ્યાએ વધુ એક રામમંદિરનું આજે ઉદ્ઘાટન થયું છે. આ જગ્યા ઓડિશામાં આવેલી છે. ઓડિશાના નયાગઢમાં દરિયાથી 1800 ફૂટની ઉંચાઇએ એક પહાડ પર સ્થિત આ મંદિરનું નિર્માણ સ્થાનિક પ્રજા તથા શ્રદ્ધાળુઓના દાનના માધ્યમથી કરવામાં આવ્યું છે.
નયાગઢ પાસે આવેલી ફતેગઢની પહાડીઓમાં આવેલું આ મંદિર પ્રભુ શ્રીરામને સમર્પિત છે. સમગ્ર ફતેગઢના સ્થાનિકોએ મંદિર નિર્માણમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું છે. આ મંદિર પરિયોજના વર્ષ 2017માં શરૂ થઇ હતી. 150થી વધુ શ્રમિકોએ આ મંદિરના નિર્માણમાં રાત-દિવસ મહેનત કરીને તેને ભવ્ય સ્વરૂપ આપ્યું છે.
આ મંદિરનો એક સમૃદ્ધ ઇતિહાસ છે, એવું કહેવામાં આવે છે જ્યારે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ આવી પડે ત્યારે ગ્રામજનો આ મંદિરમાં પ્રાર્થના કરતા હતા. જે પહાડો પર આ મંદિર આવેલું છે તે ગિરિ ગોવર્ધન કહેવાય છે. આ મંદિરનું નિર્માણ પારંપરિક ઓડિશાની વાસ્તુકલા પર આધારિત છે. જે તારા તારિણી અને કોણાર્કના મંદિરોની યાદ અપાવે છે. મંદિરના ગર્ભગૃહની ઉંચાઇ 65 ફૂટની છે. મુખ્ય મંદિરની ચારેય બાજુ ભગવાન સૂર્ય, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન હનુમાનને સમર્પિત ચાર અન્ય મંદિરો છે.