પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતે કેમ શરૂઆતમાં જ લોઢાના ચણા ચાવવા પડશે?
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સની મેન્સ હૉકીમાં ભારત સૌથી વધુ આઠ વખત ચૅમ્પિયન બની ચૂક્યું છે, પણ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં આ બિગેસ્ટ ચૅમ્પિયને શરૂઆતથી જ મોટા વિઘ્નો પાર કરવા પડશે એવી હાલત છે.
એશિયન ગેમ્સ ચૅમ્પિયન અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ મેડલિસ્ટ ભારતને આગામી જુલાઈ-ઑગસ્ટમાં યોજાનારી ઑલિમ્પિક્સ માટેના ગ્રૂપ ‘બી’માં મૂકવામાં આવ્યું છે અને એમાં જાણી લો કઈ કઈ ધરખમ ટીમો છે! એમાં ડિફેન્ડિંગ ઑલિમ્પિક ચૅમ્પિયન તેમ જ વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમ, પડકારરૂપ ઑસ્ટ્રેલિયા, રિયો ઑલિમ્પિક ગેમ્સના ચૅમ્પિયન આર્જેન્ટિના તેમ જ ન્યૂ ઝીલૅન્ડ અને આયરલૅન્ડ સામેલ છે.
મેન્સ હૉકીમાં ભારત હાલમાં વર્લ્ડ નંબર-થ્રી છે. બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સ અનુક્રમે નંબર-વન અને નંબર-ટૂ છે. ભારત ભૂતકાળમાં ઑસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના સામે માંડ-માંડ જીત્યું હતું એટલે પૅરિસમાં ભારતીય ટીમે ખરેખર શરૂઆતમાં જ અનેક મોટા વિઘ્નો પાર કરવા પડશે.
ગ્રૂપ-‘એ’માં નેધરલૅન્ડ્સ, જર્મની, ગ્રેટ બ્રિટન, સ્પેન, ફ્રાન્સ અને સાઉથ આફ્રિકા છે.
ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશને મહિલાઓની ટીમોના ગ્રૂપ પણ જાહેર કર્યા છે, પરંતુ ભારતીય ટીમ પૅરિસ નથી જવાની. તાજેતરમાં ભારતમાંના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ભારતીય મહિલા ટીમ બ્રૉન્ઝ જીતવામાં પણ નિષ્ફળ રહેતાં પૅરિસ ઑલિમ્પિક્સમાં રમવાનો મોકો ચૂકી ગઈ છે.