અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાઃ સોશિયલ મીડિયા પર એક હી નામ….
અયોધ્યા મંદિર અને ભગવાન રામની રંગોળીથી સીએસએમટી દીપી ઊઠ્યું
અયોધ્યા/મુંબઈ/નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થયા પછી દેશભરમાં દિવાળી જેવા માહોલનું નિર્માણ થયું હતું. બપોરે 12.29 પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા સહિત અન્ય શહેરોમાં લોકોએ રામ નામના જયકારથી ફટાકડાં ફોડીને લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
જાહેર સ્થળો અને મંદિરોને શણગારીને સુંદર રંગોળી અને લાઈટિંગથી સજાવવામાં આવ્યું હતું. ઉપરાંત, દરેક જાહેર સ્થળોએ એક ગીત લોકોને સાંભળવા મળ્યું હતું. ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ ગીત પણ ટ્રેન્ડમાં આવ્યું હતું.
સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ (ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ સહિત એક્સ (અગાઉ ટવિટર) પર લોકોએ રામ લલ્લાના ફોટોગ્રાફ અને વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, રામ એકેલે આયે હૈ હેશટેગ પણ ટ્રેન્ડમાં આવ્યું હતું.
મંદિરોમાં રામ મંદિરના નારા લગાવ્યા હતા, જ્યારે લોકલ ટ્રેન સહિત રેલવે સ્ટેશનો પર પણ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ જય શ્રી રામના નારા સાથે રામ લલ્લાની મૂર્તિ ટ્રેન્ડમાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે મુંબઈના રેલવે સ્ટેશન પર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. ચર્ચગેટથી વિરાર રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનની સ્ક્રિનમાં પણ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ત્યારે પ્રવાસીઓએ પણ જય શ્રી રામના નારાથી લોકલ ટ્રેનોને ગજાવી હતી. રેલવે સ્ટેશન પર સુંદર રંગોળીથી સજાવી હતી, જેમાં મધ્ય રેલવેના સીએસએમટી સ્ટેશન પર અયોધ્યા મંદિરની રંગોળી બનાવી હતી.
મધ્ય રેલવેના રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનોમાં પણ પ્રવાસીઓના ગ્રુપે ભજન ગાવાની સાથે જય શ્રી રામના નારા લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. દરમિયાન સીએસએમટી સ્ટેશન શાનદાર રંગોળીને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા. સ્ટેશન પરથી અવરજવર કરનારા લોકોએ સેલ્ફી સાથે રંગોળીના ફોટા પાડીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા