ધર્મતેજ

શ્રીરામ મંદિર: બાહ્ય આક્રમણથી લઈને હાલનું સાંસ્કૃતિક પુનરુત્થાન

સંઘર્ષગાથા -ડૉ. રાજેશ ચૌહાણ

જુઓ, આવે અવધમાં શ્રીરામ!
કેવી તે સાહ્યબી! જો, ઠાઠથી એ નીકળ્યાં છે: રાજા અવધનાં શ્રીરામ!
ઠોકર લ્યા, મારશો તો તમને જ વાગશે;
કૈંક પથ્થર પર લખ્યાં છે નામ!
જુઓ, આવે અવધમાં શ્રીરામ!
હર-એક કંકરમાં શંકરનો વાસ છે, ને તન-મનમાં રઘુવરનાં ધામ!
નદીઓના વ્હેણ તો સદીઓથી ગાય, અલ્યા! સાંભળ તું કલકલ તમામ!
જુઓ, આવે અવધમાં શ્રીરામ!
આપણે તો શું પેલી શબરીએ ચાખ્યો’તો, પંપાને કાંઠે એ સ્વાદ;
એનેય મળ્યા’તાં, આપણનેય મળશે, લ્યા; રુદિયે તું ધર એ જ નામ!
જુઓ, આવે અવધમાં શ્રીરામ!
પ્રશાંત પટેલ
રામ મંદિરના મૂળ ભાવવિચારને તેમજ રામનામના ભાવવિશ્વને રજૂ કરતી પ્રશાંત પટેલની એક ગીત રચના આજના માહોલ અને રામનામની શ્રદ્ધાને આપણી સામે સારી રીતે ઉજાગર કરી આપે છે.
શ્રીરામ ભારતની સમન્વય સંસ્કૃતિનું જીવંતરૂપ અને નવા ભારતના સોફ્ટ પાવર છે.

અનેક ભાષાઓમાં અનુવાદિત રામાયણ અને હર ઘર અને ગલીઓ, ગામ, શહેર, દેશ – વિદેશમાં પહોચેલી રામકથાએ હિંદુ ધર્મના સાંસ્કૃતિક પુનરૂત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
૨૧મી સદીનું રામ મંદિર એ કલાની દ્રષ્ટિએ વિશ્વનો નાગરશૈલીમાં તૈયાર થયેલ ઉત્તમ અને બેજોડ નમૂનો હશે.

રામ મંદિરનું નિર્માણ એ માત્ર ભારતના સમગ્ર સનાતની સમુદાયની આકાંક્ષાઓની પરિપૂર્ણતા નથી, પણ ભારતનું સાંસ્કૃતિક પુનરુત્થાન પણ છે.

શ્રીરામની ઐતિહાસિક નગરી અયોધ્યા ઋગ્વેદ કાળથી આધુનિક યુગ સુધી ધાર્મિક અને ઐતિહાસિક કેન્દ્રના રૂપમાં પ્રસિદ્ધ છે. જેને યુદ્ધ થી જીતી ન શકાય તે અયોધ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ થી સમર્પિત અયોધ્યા શતાબ્દિઓની પરંપરાના આધાર પર પ્રાચીન નગર છે જેનો ઈતિહાસ ક્રમશ: પરીલીક્ષિત થાય છે.

શ્રીરામ એ માત્ર એક નામ નથી, રામ એ સંપૂર્ણ જીવન પદ્ધતિ, સંપૂર્ણ સંસ્કૃતિ, સંપૂર્ણ પરંપરા, સંપૂર્ણ જીવન ચરિત્ર, સંપૂર્ણ સનાતન છે. શ્રીરામ એ ભારતની સાંસ્કૃતિક પરંપરાની પૂર્ણતા છે. રામનું નામ એ માનવજાતી માટે કલ્યાણનો માર્ગ છે.

પાંચસો વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ લલાના પ્રાણ-પ્રતિષ્ઠા સાથે અયોધ્યામાં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. રામ મંદિરનું નિર્માણ એ માત્ર ભારતના સમગ્ર સનાતની સમુદાયની આકાંક્ષાઓની પરિપૂર્ણતા નથી, પણ ભારતનું સાંસ્કૃતિક પુનરુત્થાન પણ છે.

સાત હજારથી વધુ વર્ષોથી શ્રીરામ ભારતની સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાનો મૂળ આધાર છે. સાત હજાર વર્ષોમાં ભારતે ઘણા સામાજિક-સાંસ્કૃતિક ઉતાર-ચઢાવ જોયા, કેટલીક વસ્તુઓનું નિર્માણ થયું અને નાશ થયો, પરંતુ શ્રીરામ હંમેશા સનાતન રહ્યા. ૧૧મી સદીમાં મુસ્લિમ આક્રમણ અને ત્યારબાદ ઇસ્લામિક સત્તા અને મુઘલ શાસનની સ્થાપના પછી ભારતમાં ઇસ્લામનો પ્રચાર જોરશોરથી થયો. હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું. હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા. હિન્દુ દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું. તે જ સમયે બાબરે રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામ મંદિરને તોડીને બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું. મંદિરો તોડવા એ મુસ્લિમ શાસકોનો ઈતિહાસ રહ્યો છે. તેમના દંભ અને ધાર્મિક કટ્ટરતાને લીધે મુસ્લિમ શાસકોએ ભારતની શાશ્વત સાંસ્કૃતિક પરંપરા, સમૃદ્ધ આધ્યાત્મિક વૈભવ વગેરેને નષ્ટ કરવાનો સખત અને સતત પ્રયાસ કર્યો. પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું કેન્દ્રબિંદુ ભગવાન શ્રીરામ છે. શ્રીરામ સનાતન છે અને સનાતનનો ક્યારેય નાશ થઈ શકતો નથી.

શ્રીરામ એ ભારતની મહાન અને ભવ્ય સનાતન સંસ્કૃતિના મૂળ છે. આપણી સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓ શ્રીરામના નામ પર જ વિકસિત અને ખીલી છે. યુગોથી રામ’ નામના પ્રવાહને કારણે સમગ્ર ભારતનું જડ અને ચેતન રામ મય બની ગયું છે. શ્રીરામ દર્શન, ધર્મ અને સમાજનો વિષય નથી પણ ભારતના દરેક વ્યક્તિના આત્મામાં ભળી ગયા છે. શ્રીરામ એ માત્ર એક નામ કે એક વિચાર નથી તે વાસ્તવમાં શક્તિ પુંજ છે, જે સમગ્ર માનવજાતને પુરુષાર્થ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.

વાલ્મીકિ રામાયણમાં શ્રીરામના સોળ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આદર્શ વ્યક્તિત્વ અને ચરિત્રના નિર્માણ માટેનું મૂળ સૂત્ર છે – સદ્ગુણી, કોઈની નિંદા ન કરવી, ધાર્મિક, કૃતજ્ઞ, નિશ્ચય, સદાચારી, તમામ જીવોના રક્ષક, વિદ્વાન, શક્તિશાળી, પ્રિયદર્શન, મન પર અંકુશ ધરાવનાર, ક્રોધ પર વિજય મેળવનાર, તેજસ્વી, વીર્યવાન અને દુષ્ટ કાર્યોના વિરોધી. આ બધા ગુણો શ્રીરામના ચરિત્રમાં છે. સમગ્ર માનવજાતિએ ’રામ’ના આ આદર્શોમાંથી માત્ર પ્રેરણા લેવી જોઈએ નહીં પરંતુ જીવનમાં પણ તેનું પાલન કરવું જોઈએ.

કહેવાય છે કે કળિયુગ દુરાચારી યુગ છે. કળયુગમાં માનવજાત મર્યાદાની હદો પાર કરીને સારા કાર્યોનો ત્યાગ કરશે. અનિષ્ટ, દુષ્કર્મો અને અશિષ્ટ આચરણને અનુસરશે. સમાજમાં દરરોજ બનતી હિંસા, કુકર્મ, અસત્ય, અપ્રમાણિકતા, શિથિલતા અને ફરજમાં બેદરકારીની ઘટનાઓ જોયા પછી આ વાત સાચી લાગે છે. આવી સ્થિતિમાં કળિયુગના કળયુગના આ સમયમાં ’રામ’નું પાત્ર વધુ પ્રાસંગિક લાગે છે. બદલાતા સામાજિક વાતાવરણમાં સદગુણોથી વિમુખ થઈને દુર્ગુણો તરફ આગળ વધી રહેલી માનવ જાતિ માટે ’રામ’નું પાત્ર સૌથી અનુકરણીય છે. એવું લાગે છે કે આધુનિકતાની આંધળી દોડમાં અને કળિયુગના વધતા પ્રભાવ હેઠળ જે માનવ જાતિ બગડી રહી છે અને ચારિત્રહીન બની રહી છે તેને નિયંત્રિત કરવાનો એકમાત્ર ઉપાય ’રામ’ છે.

૧૬મી સદીથી અયોધ્યાનો ઈતિહાસ મૂળરૂપમાં શ્રીરામ-જન્મભૂમિ માટે સંઘર્ષોનો ઈતિહાસ રહ્યો છે જેને ઈતિહાસમાં બહુ ઓછું સ્થાન મળ્યું છે. ૧૫૨૮માં શ્રી રામ જન્મભૂમિ મંદિર તોડ્યા પછી તે સ્થાન પર હિંદુઓએ અનેક વખત સંઘર્ષ કર્યો.

મંદિરોને તોડ્યા પછી તે સ્થાનને અપવિત્ર સમજી છોડી દેવામાં આવે છે અથવા બીજું બાજુ જે નજીકમાં અન્ય મંદિર સ્થળનું નિર્માણ કરી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ જન્મભૂમિ ન તો બદલી શકાય કે ન તો તેનો બહિષ્કાર કરી શકાય છે. આ જ કારણથી રામનવમીના દિવસે તે સ્થાન પર પૂજા અર્ચના કરવામાં આવતી હતી. મુસ્લિમ સામ્રાજ્યોના દમનકારી યુગોમાં પ્રજાએ આસ્થા ન છોડી એ જ કારણથી જન્મભૂમિ માટે નિરંતર સંઘર્ષ થતો રહ્યો.

ઐતિહાસિક દ્રષ્ટિએ અયોધ્યા ભારત વર્ષના પ્રાચીનત્તમ નગરોમાંનું એક હતું. નગરનો ગૌરવશાળી ધાર્મિક ઈતિહાસ રહ્યો છે. વસ્તુત અયોધ્યા મંદિરોની નગરી છે. જ્યાં હર ઘર એક મંદિર છે તથા સ્વયં કલાનો ઉત્તમ નમૂનો પણ છે.

શું છે અયોધ્યા વિવાદ? અયોધ્યામાં લગભગ ૫ હજાર મંદિરો છે. આમાં ૮૦ ટકાથી વધુ મંદિરો રામ અને સીતાના છે. શ્રીરામ મંદિરને લઈને સેંકડો વર્ષો સુધી સંઘર્ષ અને લાંબી કાનૂની લડાઈ શા માટે થઈ. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. તેમના મતે આ લડાઈ શ્રીરામ મંદિરને લઈને નથી પરંતુ શ્રીરામ જન્મભુમિ લઈને હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે જન્મસ્થળની કોઈ અદલાબદલી નથી. આ મંદિર જન્મસ્થળ મંદિર છે. નહીં તો ઘણા મંદિરો છે દેશભરમાં લાખો મંદિરો હશે આ લડાઈ જન્મભૂમિને લઈને થઈ હતી.
સલ્તનત-મુઘલકાળમાં રામજન્મ-ભૂમિ માટે સંઘર્ષનો ઈતિહાસ : બાબરે તેના સેનાપતિ મીર બાકીને ૧૫૨૮માં અયોધ્યાના ભવ્ય રામ મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ઈતિહાસકાર કનિંગહામના જણાવ્યા અનુસાર, હિન્દુઓએ શ્રીરામ મંદિરને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ૧ લાખ ૭૪ હજાર હિંદુ નાયકોના બલિદાન પછી જ મુઘલો મંદિરને નુકસાન પહોંચાડી શક્યા. મંદિર એટલું મજબૂત હતું કે તેને તોડવા માટે તોપના ગોળાનો ઉપયોગ કરવો પડતો હતો. મંદિરને નષ્ટ કર્યા પછી જલાલ શાહે હિંદુઓનું લોહી ભેળવીને બાબરી મસ્જિદ લખૌરી ઈંટોથી બનાવી હતી. ભીથી રાજા મહતાબ સિંહને મંદિર પર હુમલાની માહિતી મળી તો તેણે બદ્રીનાથની યાત્રા રોકી દીધી અને તેના સૈનિકો સાથે મીર બાકી સાથે યુદ્ધ કર્યું. ૧૭ દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધમાં બંને પક્ષોના અસંખ્ય સૈનિકો માર્યા ગયા. અંતે મહતાબ સિંહ સાથે રામ ભક્ત જૂના કેહરી પણ શહીદી પામ્યા. હંસવાર રાજ્યના રાજા રણવિજય સિંહના કુળના પૂજારી દેવદિન પાંડેએ બાબરની સેના સામે શ્રીરામના જન્મસ્થળ માટે ૭૦ હજાર યોદ્ધાઓ સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધમાં ખરાબ રીતે ઘાયલ થયા હોવા છતાં, તેણે ઘણા મુઘલ સૈનિકોને મારી નાખ્યા અને આખરે શહીદ થયા. હંસવર રાજ્યના રાજા રણવિજય સિંહને તેમના પૂજારી દેવદિન પાંડેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમણે તેમની રાણી જય કુંવરીને સત્તા સોંપી અને પોતે ૨૫ હજાર સૈનિકો સાથે શ્રીરામના જન્મસ્થળને મુક્ત કરવા માટે નીકળી પડ્યા અને આખરે પોતે શહીદ થયા. રાજા રણવિજય સિંહના બલિદાન પછી રાણી જય કુંવરીએ આનંદ સંપ્રદાયના મહંત સ્વામી મહેશ્વરાનંદ સાથે શ્રીરામના જન્મસ્થળ માટે સંઘર્ષ ચાલુ રાખ્યો. સ્વામી મહેશ્વરાનંદના નેતૃત્વમાં અસંખ્ય નાગા સંપ્રદાયો, ગૌરક્ષપંથી, દિગંબરા, નિર્મોહી, નિર્મલે અને માથો, મંદિરો અને અખાડાઓના નિર્વાણી સાધુઓએ પણ શસ્ત્રો ઉપાડ્યા. તેણે દુશ્મનો પર હુમલાઓ કરીને યુદ્ધનીતિ અપનાવી. મીર બાકી એટલો ડરી ગયો કે તે તાશ્કંદ ભાગી ગયો.

હુમાયુના સમયગાળા દરમિયાન પણ રાણી જયકુંવરી અને સ્વામી મહેશ્વરાનંદ સતત સંઘર્ષ કરતા રહ્યા. ૧૦મા યુદ્ધમાં તેઓ સફળ રહ્યા અને શ્રીરામ જન્મભૂમિ બે-ત્રણ વર્ષ સુધી મુઘલોથી મુક્ત રહી. બાદમાં બંને યોદ્ધાઓ મુઘલોની વિશાળ સેના સામે લડતા લડતા શહીદ થયા.
અકબરના સમયમાં કોઈમ્બતુરથી આવેલા રામાનુજ સંપ્રદાયના સ્વામી બલરામ આચાર્યએ શ્રીરામના જન્મસ્થળને આઝાદ કરાવવા માટે ૨૦ યુદ્ધો લડ્યા હતા. પાછળથી બીરબલ અને ટોડરમલની સલાહ પર અકબરે ત્યાં એક નાનું મંદિર બનાવવાની મંજૂરી આપી. શાહજહાંના શાસન સુધી એ મંદિરમાં પૂજા અવિરત ચાલતી હતી. ૯૦ વર્ષની અવિરત પૂજા ચાલતી રહી.
ઔરંગઝેબે તેના સેનાપતિ જાનબાઝ ખાને તેની સેના સાથે મંદિરનો નાશ કરવા મોકલ્યો. અયોધ્યામાં અહલ્યા ઘાટ પર પરશુરામ મઠ હતો. બાબા વૈષ્ણવદાસ ત્યાં રહેતા હતા. તેમની સાથે શિષ્યોનું એક મોટું જૂથ હતું જેમને કોઈ રીતે મંદિરનું રક્ષણ કર્યું અને જાનબાઝ ખાનને ભાગવું પડ્યું. ઔરંગઝેબે સૈયદ હસન અલીને બીજી વખત મંદિરને નષ્ટ કરવા માટે વિશાળ સેના સાથે મોકલ્યો. બાબા વૈષ્ણવદાસે સમયસર ગુરુ ગોવિંદ સિંહજીનો સંપર્ક કર્યો. તેઓ સેના સાથે મંદિરની રક્ષા માટે અયોધ્યા પહોંચ્યા. સાધુ સેના સાથે મળીને મુઘલ સેનાને હરાવી. ૧૬૬૪માં ઔરંગઝેબે ફરીથી મંદિરને તોડી પાડવા માટે એક વિશાળ સૈન્ય મોકલ્યું. પરંતુ ત્યાં સુધીમાં ગુરુ ગોવિંદ સિંહ પણ પાછા ફર્યા હતા. એ ઉપરાંત અમેઠીના રાજા ગુરુદત્ત સિંહ અને પિપરાના રાજકુમાર સિંહે નવાબ સઆદત અલી તરફથી શ્રીરામ મંદિર માટે સંઘર્ષ ચાલુ રાખ્યો. હિંદુઓના સતત હુમલાઓથી કંટાળીને નવાબે પૂજા અને નમાઝ બંનેની પરવાનગી આપી. ઔરંગઝેબે રામકોટ કિલ્લાને તોડીને તેના સ્થાને ત્રણ ગુમ્બંદો વાળી એક મુસલમાની પૂજા-સ્થળ નિર્મિત કર્યું.

વિદેશી લેખકોના શ્રીરામજન્મ-ભૂમિ અંગેના મતો : ટિફેન્થેલર નામનો વિદેશી ઇતિહાસકાર લખે છે કે, બાબરે રામ-જન્મભૂમિ પર સ્થિત મંદિરને નષ્ટ કરી તેના સ્તંભોનો ઉપયોગ કરી એક મસ્જિદ બનાવી દીધી. પરંતુ હિંદુઓએ એ સ્થાનને છોડવાનો ઇન્કાર કર્યો હોવા છતાં મુઘલો દ્વારા તેમને રોકવાના પ્રયાસો થતો તો પણ તેઓ પૂજા કરવા આવતા હતા. મસ્જિદના પ્રાંગણમાં રામ ચબૂતરા બનાવી તેની ત્રણવાર પ્રદિક્ષણા અને દંડવત કરી પ્રણામ કરતા હતા. તે ચબૂતરા અને મસ્જિદમાં પોતાની પૂજા કરતા હતા. મોન્ટગોમરી માર્ટીન નામના એક બ્રિટીશ સર્વેક્ષક જેણે ૧૮૨૮માં સર્વે કરી લખ્યું કે, ધર્માન્ધમાં જેના દ્વારા મંદિર તોડી પાડવામાં આવેલ અને મંદિર પર મસ્જીદોનું નિર્માણ કરાવ્યું. રામકોટથી મારો અનુમાન છે કે, તે વાસ્તવમાં રામ દ્વારા બનાવેલ ભવનનો વાસ્તવિક હિસ્સો રહ્યો હશે. એડવર્ડ થારટને ૧૮૪૮ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગેઝેટમાં લખ્યું બાબરની મસ્જિદમાં ૧૪ સુંદર નક્કસી કામવાળા જુના મંદિરમાંથી લેવાયા હોય તેમ લાગે છે. તેને લખ્યું કે, હિંદુ અહી તીર્થ સ્થાન પર આવતા ને રામ ચબૂતરાની પૂજા કરતા હતા કેમ કે, તેમને વિશ્વાસ હતો કે રામ જન્મસ્થાન હતું. એડવર્ડ બાળફોરે તેના વિશ્વકોશમાં લખે છે કે, અયોધ્યા રામ જન્મસ્થાન પર મસ્જિદ છે જ્યાં રામનો જન્મ થયો. ગિરિયશને કહ્યું હતું કે, રામાયણ પ્રત્યેક હિંદુ ઘરનું બાઈબલ છે.

અયોધ્યા મેહસુલ અભિલેખ : પ્રો. બિ. આર. ગ્રોવરને મેહ્સુલ અભિલેખ તપાસ કરતા લાગ્યું કે, અભિલેખોમાં બાબરી મસ્જિદના નામનો કોઈ અભિલેખમાં ઉલ્લેખ નથી. ત્યાં સુધી કે હદબસ્તી નકશામાં પણ તે દેખાતું નથી. બ્રિટીશ સરકારના બંદોબસ્તી અભિલેખોમાં તેને બધે જ કોટરારામચંદ્ર કહ્યું છે. કોટરારામચંદ્ર નવાબી તથા મુઘલકાળના બંદોબસ્તી આધાર પર જ તૈયાર કર્યું છે.
આઝાદી પહેલા અને બાદમાં મંદિર માટે સંઘર્ષ : અયોધ્યામાં ધાર્મિક હિંસાની પ્રથમ ઘટના ૧૮૫૦માં નોંધવામાં આવી હતી, જે હનુમાન ગઢી પાસે બની હતી. એક બ્રિટિશ સૈનિક અબ્દુલ બરકતે ફૈઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે.નાયરની સામે નિવેદન આપ્યું હતું કે ૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૧ની રાત્રે લગભગ ૨ વાગ્યે તેણે મસ્જિદની અંદર હળવો પ્રકાશ જોયો. ત્યાર પછી પણ સંઘર્ષનો દૌર શરૂ રહ્યો.

રામ મંદિર આંદોલન દરમિયાન મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે વિવાદિત બંધારણ પર હુમલો કરી શકે નહીં. અયોધ્યામાં ૩૦ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ કોલકાતાના કોઠારી બંધુઓએ મુલાયમ સિંહના દાવાને ઉડાવી દીધો. ૨૩ વર્ષના રામકુમાર કોઠારી અને ૨૦ વર્ષના શરદ કોઠારી રામ મંદિરને એટલા સમર્પિત હતા કે તેઓએ ૨૦૦ કિલોમીટરનું અંતર પગપાળા જ કાપ્યું હતું. કારણ કે અયોધ્યા પહોંચવાના તમામ માધ્યમો બંધ કરી દેવામાં આવ્યા હતા. ૩૦ ઓક્ટોબર, ૧૯૯૦ના રોજ વિવાદિત માળખા પર ચઢનાર પ્રથમ વ્યક્તિ શરદ કોઠારી હતા. ત્યારપછી મોટા ભાઈ રામકુમાર કોઠારીએ ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. ઑક્ટોબર ૩૦, ૧૯૯૦ ના રોજ ઈછઙઋ સૈનિકોએ બંને ભાઈઓને માર મારી અટકાવી દૂર સુધી પાછળ ગયા પરંતુ આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ કાર સેવકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારથી બચવા બંને ભાઈઓ લાલ કોઠી શેરીમાં છુપાઈ ગયા હતા. બંને ભાઈઓને પોલીસે બહાર નિર્દયતાથી ગોળી મારી હત્યા કરી હતી. સરકારી આંકડાઓમાં શહીદ થયેલા કાર સેવકોની સંખ્યા માત્ર ૫ હોવાનું જણાવાયું છે. પરંતુ મૃતકોની સંખ્યા અનેક ગણી વધારે હતી.

શ્રી રામ મંદિર માટે ન્યાયકીય સંઘર્ષ : ૧૦૦ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ વિવાદમાં તત્કાલિન ચીફ જસ્ટિસ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો કે વિવાદિત જમીન પર હિંદુઓનો અધિકાર છે. આ સાથે સરકારને મુસ્લિમ પક્ષને અલગથી ૫ એકર જમીન આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણય બાદ પણ ઘણી રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ નિર્ણય પાંચ જજોની સહમતિથી આપવામાં આવ્યો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પુરાતત્વ વિભાગ (અજઈં)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નીચે એક મંદિર હતું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે એએસઆઈએ વિવાદિત જમીન પર પહેલા મંદિરના અસ્તિત્વના પુરાવા પણ રજૂ કર્યા છે. હિંદુઓ અયોધ્યાને રામની જન્મભૂમિ માને છે.

શ્રીરામ મંદિરની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યા અને આસપાસના ૧૦૫ ગામોના સૂર્યવંશી ક્ષત્રિય પરિવારોએ ૫૦૦ વર્ષ પછી તેમના માથા પર પાઘડી અને પગમાં ચામડાના ચંપલ પહેરીને તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. હકીકતમાં, તેમના પૂર્વજોએ ૧૬મી સદીમાં મંદિરને બચાવવા માટે મુઘલો સાથે યુદ્ધ કર્યું હતું. પરંતુ તેઓ યુદ્ધ હારી ગયા. તમને જણાવી દઈએ કે ઠાકુર ગજ સિંહના નેતૃત્વમાં મુઘલો વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ઠાકુર ગજસિંહનો પરાજય થયો હતો. હાર પછી ગજ સિંહે શ્રીરામ મંદિર જન્મભૂમિ પર કબજો ન થાય ત્યાં સુધી પાઘડી અને ચંપલ નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સંકલ્પ તેમની આવનારી પેઢીઓએ પણ અનુસર્યો હતો.

હિંદુ સમાજે શ્રીરામ મંદિરના જન્મસ્થળ માટે ૭૮ ધાર્મિક યુદ્ધો લડ્યા જેમાં ૩ લાખ ૫૦ હજારથી વધુ હિંદુ નાયકોએ પોતાનું બલિદાન આપ્યું. બાબરના સમયગાળામાં ૫, હુમાયુના સમયમાં ૧૦, અકબરના સમયગાળામાં ૨૦, ઔરંગઝેબના સમયમાં ૩૦, નવાબ સઆદત અલીના સમયગાળામાં ૫, નસીરુદ્દીનના સમયમાં ૩ ધર્મયુદ્ધો થયા હતા. હૈદર, વાજિદ અલીના સમયમાં ૨, અંગ્રેજોના સમયમાં ૨. અને ભૂતપૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહના કાર્યકાળ દરમિયાન ધાર્મિક યુદ્ધ લડવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત