આપણું ગુજરાત

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનાં પગલે ખાવા-પીવાની ચીજવસ્તુઓ ફ્રીમાં આપવાની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરી સોમવારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને પગલે અમદાવાદમાં રામમય માહોલ જામ્યો છે. શહેરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવને પગલે વેપારીઓ દ્વારા ખાવા-પીવાની ચીજવસ્તુઓ ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોટલ, રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ સેન્ટર દ્વારા ફ્રીમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ આપવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી.

અયોધ્યામાં સોમવારે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને લઈ દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રાનું ઠેર ઠેર આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફ્રીમાં જાહેરાત કરવામાં આવી છે. શહેરના હાથીજણ વિસ્તારના એક દાબેલીના વેપારી દ્વારા ૨૨મી જાન્યુઆરીએ લોકોને ૨૨૦૦ જેટલી દાબેલી ફ્રીમાં આપવામાં આવશે. નિકોલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર આવેલા એક પ્રસિદ્ધ ગાંઠિયાના વેપારી દ્વારા ફ્રીમાં ગાંઠિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાતં એક પ્રસિદ્ધ લસ્સીના વેપારી દ્વારા પણ મફતમાં કેસરિયા લસ્સી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ૨૨ જાન્યુઆરીએ કોઈ પણ લસ્સીની ખરીદી ઉપર એક કેસરિયા લસ્સી ફ્રી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં એક વડાપાંઉના વેપારી દ્વારા પણ ફ્રીમાં વડાપાંઉની જાહેરાત કરવામાં આવી છે. જેટલા વડાપાંઉ ખાવા હોય તેટલા ફ્રીમાં આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ. નિકોલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર એક સાઉથ ઇન્ડિયન દ્વારા પણ ફ્રીમાં ઈડલી-વડા આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

શહેરના ઠક્કરનગર વિસ્તારમાં આવેલા થેપલા કાલે સાંજે રામભક્તો માટે પરાઠા અને થેપલાં ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. એક છોલે-કુલચેના વેપારી દ્વરા કાલના દિવસે આખા દિવસ દરમિયાન જયશ્રી રામ બોલીને છોલે કુલચે રામભક્તો જમી શકશે. રામભક્તોને જયશ્રી રામ બોલતાં ફ્રીમાં અનલિમિટેડ છોલે-કુલચા પીરસવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં દુકાનો અને રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button