ઈસરોએ અવકાશમાંથી રામમંદિરની તસવીરો શૅર કરી
હૈદરાબાદ: પીએમ મોદી અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ ઈસરોએ અવકાશમાંથી પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરનો નજારો કેમેરામાં કેદ કરી લીધો છે. પહેલી વાર ઈસરોએ સ્પેસમાંથી અયોધ્યા રામમંદિર તથા તેની આસપાસનાં સ્થળોની પણ તસવીરો લીધી છે. આ માટે ઈસરો દ્વારા ભારતીય રિમોટ સેન્સિંગ આઈઆરએસ સિરીઝના સ્વદેશી ઉપગ્રહની મદદ લેવામાં આવી હતી.
તસ્વીરમાં ભવ્ય રામમંદિર ઉપરાંત નીચેના ભાગમાં નવનિર્મિત રેલવે સ્ટેશન, સરયૂ નદીનો કેટલોક વિસ્તાર, દશરથ મહેલ જેવા ભાગ પણ આવરી લેવાયા છે. આ તસ્વીર ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ લેવામાં આવી હતી. એ પછી સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરને પગલે સર્વત્ર ધુમ્મ્સભર્યું, વાદળછાયું વાતાવરણ છવાઇ જતાં બીજીવાર તસ્વીરો લઇ શકાઇ નહોતી. હાલના સમયમાં ભારત પાસે ૫૦થી વધુ ઉપગ્રહો મોજૂદ છે. જેનું રિઝોલ્યુશન એક મીટરથી ઓછું છે. એટલે એનો અર્થ એવો થયો કે એક મીટરથી ઓછો આકાર ધરાવતી વસ્તુની પણ સ્પષ્ટ તસ્વીર આપણા ઉપગ્રહો લઇ શકે છે.
આ તસ્વીરોને પ્રોસેસ કરવાનું કામ ઈસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર એનઆરએસસીમાં કરવામાં આવે છે. તસ્વીરો જાહેર પણ ત્યાંથી જ થાય છે. આ ઉપરાંત, તમને જાણીને નવાઇ લાગશે કે એલએન્ડ ટી કંપની દ્વારા જ્યારે મંદિર નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પણ તેમણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ આધારિત કો-ઓર્ડિનેટ્સ મેળવ્યા હતા, જેથી તેઓ એ સુનિશ્ર્ચિત કરી શકે કે યોગ્ય જમીન પર જ મંદિરનું બાંધકામ થઇ રહ્યું છે. ઈસરોની સ્વદેશી જીપીએસ સિસ્ટમ નેવીઆઈસીનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.